ટ્રમ્પના નવા કાયદાથી 3 લાખથી વધુ કાયદેસર વસાહતીઓ મેડિકેરના લાભથી વંચિત થશે

‘ટ્રમ્પના નેતૃત્વમાં ક્વાડ વધુ મજબૂત બન્યું’: નબળું પડ્યાના અહેવાલોને અમેરિકાએ ફગાવ્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘વન બિગ બ્યુટિફુલ બિલ એક્ટ’ (One Big Beautiful Bill Act – OBBA) હેઠળ કરવામાં આવેલા ફેરફારોને કારણે 3 લાખથી વધુ કાયદેસર વસાહતીઓ મેડિકેર (Medicare)ના લાભથી વંચિત થઈ શકે છે. નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલી બનવાના છે. આ નિર્ણયથી અમેરિકામાં લાંબા સમયથી રહેતા વૃદ્ધો અને દિવ્યાંગ વસાહતીઓની આરોગ્યસંભાળ પર ગંભીર અસર થવાની આશંકા છે.

મેડિકેર લાભાર્થીઓને નોટિસ મોકલવાનું શરૂ

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ અનુસાર, સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશને મેડિકેરનો લાભ મેળવતા લાખો લોકોને નોટિસ મોકલવાની શરૂઆત કરી છે. તેમાં કાયદામાં થયેલા ફેરફારોને કારણે ભવિષ્યમાં ફેડરલ હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્યક્રમનો લાભ નહીં મળી શકે તેવી જાણ કરવામાં આવી રહી છે.

જાહેરાત

અમેરિકાના નાગરિકો માટે જ મેડિકેરની પાત્રતા?

નવા નિયમો હેઠળ મેડિકેર માટેની પાત્રતા મર્યાદિત કરવામાં આવશે. મુખ્યત્વે અમેરિકાના નાગરિકો જ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે. જોકે, કાયદેસર રીતે અમેરિકામાં વસતા કેટલાક ક્યુબન અને હૈતીના નાગરિકો તેમજ અમેરિકા સાથે વિશિષ્ટ કરાર ધરાવતા દેશોના ચોક્કસ નાગરિકોને લાભ મળવાનું ચાલુ રહી શકે છે. આ ફેરફારની અસર શરણાર્થીઓ, આશ્રય મેળવેલી વ્યક્તિઓ અને કાયદેસર રીતે અમેરિકામાં વસતા અન્ય ઇમિગ્રન્ટ્સ પર પણ પડી શકે છે. અહેવાલ મુજબ, આ વસાહતીઓએ અત્યાર સુધી સામૂહિક રીતે આશરે 6 અબજ ડોલરના મેડિકેર લાભો મેળવ્યા છે.

વૃદ્ધો અને દિવ્યાંગોની સારવાર પર સંકટ

ઇમિગ્રન્ટ એડવોકસી સંગઠનો અને હેલ્થકેર પોલિસી નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી હજારો વૃદ્ધો અને દિવ્યાંગોને જરૂરી તબીબી સારવાર મેળવવામાં મુશ્કેલી પડશે. ખાસ કરીને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે ડાયાલિસિસ જેવી સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની શકે છે. પરિણામે કેટલાક દર્દીઓના જીવન પર પણ જોખમ ઊભું થઈ શકે છે.

ગ્રીન કાર્ડની રાહ જોતા વસાહતીઓ પણ મુશ્કેલીમાં

અહેવાલમાં જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ઘણા વસાહતીઓએ ગ્રીન કાર્ડ માટેની મંજૂરી મેળવી લીધી છે અને કાયમી વસવાટના દસ્તાવેજોની રાહ જોઈ રહ્યા છે. જોકે, પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે તેઓ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. નવા કાયદાથી કાયદેસર વસાહતીઓને મળતી કેટલીક મેડિકલ હેલ્થકેર સુવિધાઓ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સબસિડી પર પણ અસર થઈ શકે છે.

નિર્ણય સામે કોર્ટમાં જવાની તક

સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનની નોટિસમાં એવું પણ જણાવાયું છે કે મેડિકેરના લાભાર્થીઓને નિર્ણય સામે વાંધો હોય તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. તેઓ પોતાના ઇમિગ્રેશન સ્ટેટસમાં થયેલા ફેરફારોના આધારે લાભ મેળવવાની પાત્રતા સાબિત કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, નવા નિયમો અમલી બન્યા બાદ અમેરિકામાં કાયદેસર રીતે વસતા અનેક ઇમિગ્રન્ટ્સ માટે આરોગ્યસંભાળનો ખર્ચ મોટો પડકાર બની શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત