જિનપિંગને મળ્યા બાદ ટ્રમ્પના તેવર બદલાયા: ઈરાનને ખતમ કરવાની આપી ખુલ્લી ધમકી

જિનપિંગને મળ્યા બાદ ટ્રમ્પના તેવર બદલાયા: ઈરાનને ખતમ કરવાની આપી ખુલ્લી  ધમકી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની મુલાકાતના ગણતરીના કલાકોમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન ગેસ અને બાયોલોજિકલ (જૈવિક) હથિયારો વિકસાવવા પર વિચાર કરી રહ્યું છે. ઈરાનના લોકોને 'ખતરનાક' ગણાવતા ટ્રમ્પે ખુલ્લી ધમકી આપી છે કે, 'જો ઈરાન બાયોલોજિકલ હથિયાર બનાવશે, તો અમેરિકા તેમનો સંપૂર્ણ સફાયો કરી દેશે.'

'જો આવું થશે તો અમે તેમને સંપૂર્ણપણે ખતમ કરી દઈશું'

ઈરાનના કથિત હથિયાર કાર્યક્રમ અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'એવા કેટલાક સંકેતો મળ્યા છે કે ઈરાન ગેસ અને જૈવિક હથિયારો તરફ નજર દોડાવી રહ્યું છે, જે બિલકુલ સારી બાબત નથી. ઈરાન અન્ય કેટલીક બાબતો પર પણ કામ કરી રહ્યું છે અને અમેરિકા તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.'

જાહેરાત

ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, 'આ લોકો ખૂબ જ ખતરનાક છે અને જો આવું કંઈ પણ થશે તો અમે તેમને સંપૂર્ણપણે ખતમ કરી દઈશું.' જોકે, ઈરાન કયા પ્રકારના ગેસ કે જૈવિક હથિયારોની તૈયારી કરી રહ્યું છે તે અંગે ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી ન હતી કે ન તો પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા હતા.

ઈરાન સંઘર્ષ મામલે ચીન અને રશિયાની મદદ નહીં માંગે

ચીનના શેનઝેન શહેરમાં પત્રકારોએ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે ઈરાન સંઘર્ષનો અંત લાવવા માટે શું તેઓ ચીન અને રશિયાની મદદ લેવા માંગે છે. આ પ્રશ્નનો સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા ટ્રમ્પે જણાવ્યું કે, 'હું મદદ માંગવા માટે આ બંને દેશો પાસે નહીં જાવ.' વધુમાં, ચીન અને રશિયાની ભૂમિકાને બિરદાવતા તેમણે કહ્યું કે, 'ખરેખર જોવા જઈએ તો બંને દેશોએ અમેરિકા પ્રત્યે ખૂબ સકારાત્મક વલણ દાખવ્યું છે, કારણ કે તેમણે કોઈ ગોળીબાર કર્યો નથી કે સમુદ્રમાં પોતાના જહાજો પણ તૈનાત કર્યા નથી.' બીજી તરફ, આ સંઘર્ષના નિરાકરણ માટે આગળ જતાં તેમની સાથે કોઈ રાજદ્વારી મંત્રણા થશે કે નહીં, તે મુદ્દે ટ્રમ્પે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

ચીન સાથેના સંબંધો અને ભવ્ય સ્વાગતની પ્રશંસા

પોતાના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે ચીન સાથેના સંબંધોને અત્યંત શાનદાર અને સન્માન પર આધારિત ગણાવ્યા હતા. તેમણે ચીનમાં મળેલા ભવ્ય સ્વાગત અને શી જિનપિંગ સાથેની મુલાકાત વખતે થયેલી મહેમાનગતિનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બેઠકની વ્યવસ્થા અને તેમના સન્માનમાં જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, તેવું ચીનના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બન્યું નથી. ટ્રમ્પે આ આખા ઘટનાક્રમને અમેરિકા માટે એક મોટી જીત ગણાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત