Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump calls PM Modi and Xi Jinping global leaders

ટ્રમ્પે પીએમ મોદી અને શી જિનપિંગને ગણાવ્યા ગ્લોબલ લીડર્સ: કહ્યું- '150 કરોડની વસ્તી ધરાવતા દેશના નરેન્દ્ર મોદી શાનદાર નેતા'

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પે પીએમ મોદી અને શી જિનપિંગને ગણાવ્યા ગ્લોબલ લીડર્સ: કહ્યું- '150 કરોડની વસ્તી ધરાવતા દેશના નરેન્દ્ર મોદી શાનદાર નેતા'
સોર્સ : GSTV

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ખાસ ઇન્ટરવ્યૂમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટ્રમ્પે પીએમ મોદીને દુનિયાના બે સૌથી મહાન નેતાઓમાંના એક ગણાવ્યા છે અને કહ્યું કે, 'પીએમ મોદી અને ચીનના વડાપ્રધાન શી જિનપિંગ બે એવા ગ્લોબલ લીડર્સ છે, જેમની કામ કરવાની શૈલીથી હું સૌથી વધુ પ્રભાવિત છું.' અમેરિકન પ્રમુખે વડાપ્રધાન મોદીના લાંબા શાસનકાળ અને તેમની અનોખી કાર્યશૈલીની પ્રશંસા કરવાની સાથે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં પીએમ મોદીની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી છે.

App Store

પીએમ મોદી યુદ્ધથી દૂર રહે છે, તે ખૂબ જ સમજદારીભર્યું કામ છે: ટ્રમ્પ

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાના બે મહાન નેતાઓના નામ આપવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેમણે શી જિનપિંગ અને પીએમ મોદીના નામ લીધા હતા. વડાપ્રધાન મોદી વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, 'નરેન્દ્ર મોદી ખૂબ જ ઉત્કૃષ્ટ નેતા છે. તેઓ યુદ્ધોથી દૂર રહે છે, જે અત્યંત સમજદારીભરી બાબત છે. તેઓ 1.5 અબજ (150 કરોડ) લોકોની વસ્તી ધરાવતા દેશનું નેતૃત્વ કરે છે. વાસ્તવમાં ભારત દુનિયાનો સૌથી મોટો દેશ છે અને નરેન્દ્ર મોદી એક શાનદાર નેતા છે.'

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ એક મહાન નેતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે, ત્યારે તેમણે પીએમ મોદીનું જ ઉદાહરણ આપ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે, 'મેં મારી આખી જિંદગીમાં ભારતનું રાજકારણ જોયું છે. ત્યાં સતત નેતૃત્વ બદલાતું રહેતું હતું. કોઈ છ મહિના માટે પ્રમુખ કે વડાપ્રધાન બનતું, તો કોઈ એક વર્ષ માટે આવતું. પરંતુ, અચાનક વડાપ્રધાન મોદી સત્તા પર આવ્યા. તેઓ 12 વર્ષથી વધુ સમયથી ત્યાં મજબૂતીથી ટકેલા છે અને આ બધું ખૂબ જ શાંતિપૂર્વક કરી રહ્યા છે.'

હું પીએમ મોદીને બહુ સારી રીતે ઓળખું છું: ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે આ અંગે વાત કરતા વધુમાં કહ્યું કે, 'પીએમ મોદીમાં શાંતિ અને રાજકીય મજબૂતીનું એક અનોખું મિશ્રણ જોવા મળે છે. મારો અંગત અનુભવ રહ્યો છે કે તેઓ ભલે બધું કામ ખૂબ શાંતિથી કરતા હોય, પરંતુ તેઓ શાંત સ્વભાવના વ્યક્તિ નથી. તેઓ ખૂબ જ કડક અને મજબૂત માણસ છે અને હું તેમને બહુ સારી રીતે ઓળખું છું.'

જ્યાં સુધી પીએમ મોદી છે, ભારત વૈશ્વિક સ્તરે છવાયેલું રહેશે

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પીએમ મોદીની વાટાઘાટો કરવાની અને મધ્યસ્થી કરવાની ક્ષમતાના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, 'અમે આ ટ્રેડ ડીલની ખૂબ નજીક છીએ. લાંબા સમયથી આ વિષય પર કામ ચાલી રહ્યું છે.'

આ સાથે જ મિડલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા લાવવામાં ભારતની સંભવિત ભૂમિકા અંગે ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'હા, હું ચોક્કસપણે માનું છું કે ભારત વૈશ્વિક સ્તરે દરેક બાબતમાં મોટી ભૂમિકા ભજવે છે અને જ્યાં સુધી પીએમ મોદી સત્તા પર છે, ત્યાં સુધી ભારત આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહેશે.' ટ્રમ્પે પીએમ મોદી સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતા અંતમાં કહ્યું કે, 'તેઓ લાંબા સમયથી મારા સારા મિત્ર છે અને અમારા સંબંધો હંમેશાં સર્વશ્રેષ્ઠ રહ્યા છે.'