મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અરુણાચલ સરહદે ઘર્ષણના અહેવાલો વચ્ચે ચીનનું નિવેદન, કહ્યું- ‘આશા છે કે ભારત પણ....’

અરુણાચલ સરહદે ઘર્ષણના અહેવાલો વચ્ચે ચીનનું નિવેદન, કહ્યું- ‘આશા છે કે ભારત પણ....’
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ અને સૈનિકો વચ્ચે ઘર્ષણના અહેવાલો વચ્ચે ચીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને સોમવાર, 26 ઓક્ટોબરે જણાવ્યું હતું કે ચીની સૈનિકો સરહદ પર સામાન્ય અને નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ચીન બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીઓ અને સરહદી નિયમોનું પાલન કરે છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત પણ પરસ્પર સંમતિઓનું પાલન કરશે અને સરહદી વિસ્તારોમાં શાંતિ તથા સ્થિરતા જાળવશે.

ITBPના DGના નિવેદન બાદ ચર્ચા તેજ

ભારત-ચીન સરહદની સ્થિતિ અંગે ITBPના ડિરેક્ટર જનરલ શત્રુજીત કપૂરના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સરહદી ઘર્ષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશની સરહદે બંને દેશોના સૈનિકો વચ્ચે અનેક વખત સામસામે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે ભારતીય જવાનોએ મક્કમતાથી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. આ નિવેદન બાદ સરહદની સુરક્ષાને લઈને રાજકીય ચર્ચા પણ તેજ બની હતી. વિપક્ષે આ મુદ્દે કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા હતા.

ચીનનો દાવો- સમજૂતીઓનું પાલન કરીએ છીએ

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું હતું કે ચીની સેના નિર્ધારિત નિયમો અને માર્ગદર્શિકાઓ હેઠળ સરહદ પર પેટ્રોલિંગ કરે છે. ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે ચીને બંને દેશો વચ્ચે થયેલા કરારો અને સમજૂતીઓનું સતત પાલન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચીની સેના પોતાની પ્રાદેશિક સાર્વભૌમત્વનું રક્ષણ કરવા અને સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટે નિયમિત પેટ્રોલિંગ તથા વ્યવસ્થાપનનું કામ કરે છે.

ભારત સાથે વાતચીત માટે તૈયાર હોવાનો સંકેત

ચીને ભારત સાથેના સંબંધો અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ગુઓ જિયાકુને કહ્યું કે ભારત સાથે રાજદ્વારી વાતચીતના માર્ગ હંમેશાં ખુલ્લા છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો પરસ્પર થયેલી સમજૂતીઓનું સન્માન કરશે અને સરહદી વિસ્તારોમાં શાંતિ તથા સ્થિરતા જાળવવા માટે યોગ્ય પગલાં લેશે. ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અરુણાચલ પ્રદેશની સરહદે સૈનિકો વચ્ચે થયેલા કથિત ઘર્ષણ અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, સરહદ પરની ઘટનાઓ અંગે બંને દેશોના નિવેદનો અને દાવાઓને અલગ-અલગ રીતે સમજવા જરૂરી છે.

આ સમાચાર શેર કરો