ફ્રાંસમાં ફરી તોફાનો, વિવિધ શહેરોંમાં ભયાનક હિંસા

ફ્રાંસમાં શનિવારે ફરી વ્યાપક રમખાણ શરૂ થઈ ગયા. જીવન જરૂરિયાતની ચીજોના સતત વધી રહેલા ભાવ શૈક્ષણિક સંસ્થાઓને કરાતી નહીંવત્ ફાળવણી અને સતત વધી રહેલી આર્થિક અસમાનતાના સામે જનતા રીતસર રણે ચઢી છે. પેરિસ સહિત ફ્રાંસનાં અનેક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં છે, પોલીસને ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડયો છે.
વાસ્તવમાં શાળાઓની જર્જરિત હાલત, શિક્ષકોની કમી, શાળાઓમાં થયેલા ભારે ફી વધારા સામે ગત સપ્તાહે વિદ્યાર્થીઓએ શરૂ કરેલાં આંદોલનમાં પછીથી જનસામાન્ય પણ જોડાયા હતા. તેથી જીવન જરૂરિયાતની ચીજોના સતત વધી રહેલા ભાવ શિક્ષણમાં ઊંચા ખર્ચા, ગેસ (ઉર્જા) અને વીજળીના ભાવ તથા રોજીંદા વપરાશની ચીજોના ઉંચા ભાવ સાથે સતત વધી રહેલી આર્થિક અસમાનતા સામે જનઆક્રોશ ભભૂકી ઊઠયો છે. આ સામે 'બ્લેક શર્ટસે' પડકાર ફેંક્યો છે. આ બ્લેક શર્ટસ જ રમખાણો ચગાવે છે, તેમ સત્તાવાળાઓનું કહેવું છે. સપ્તાહાંતથી શરૂ થયેલા આ તોફાનો એટલા વ્યાપક બન્યાં હતાં કે દેશના જુદાં જુદાં શહેરોમાં મળી સરકારને ૭૦,૦૦૦ પોલીસ ગોઠવવી પડી હતી. એટલા મોટા પાયે પથ્થરબાજી શરૂ થઈ હતી કે પોલીસને બખ્તરિયા ગાડીઓમાં રમખાણકારો સામે પહોંચવું પડયું હતું.
ફ્રાંસનાં આંતરિક બાબતો અંગેનાં મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કુલ મળી આશરે ૪,૧૦,૦૦૦ જેટલા લોકો રમખાણોમાં જોડાયા હતા પરંતુ જનતાના નેતાઓએ કહ્યું હતું કે દેશભરમાં મળી ૮ લાખથી વધુ લોકો અમારી સાથે વિરોધ પ્રદર્શનોમાં જોડાયેલા છે. એક માત્ર પેરિસમાં જ ૧,૧૦,૦૦૦થી ૨,૫૦,૦૦૦ જેટલા લોકો જોડાયા હતા. સંખ્યા પછીથી વધી હતી અને ૨,૫૦,૦૦૦ પહોંચી હતી.રમખાણો હવે માર્સીલે, લીયોન, બોર્ડોકસ, લીલે, તોલોઝ, ઓન્ટેપેલીયર અને નાન્તેઝમાં પણ પ્રસર્યા હતા. પેરિસમાં શરૂમાં તો દેખાવકારોની કૂચ શાંતિપૂર્વકની હતી, પરંતુ કૂચ પૂરી થવા આવી ત્યાં દેખાવકારો તોફાને ચઢ્યા. પોલીસે પહેલાં ટોળાંને રોકવા સોટીમાર શરૂ કર્યો પછી ટીયરગેસ છોડયા છતાં તોફાનો કાબુ બહાર જતાં વોટર-કેનનનો ઉપયોગ કર્યો હતો.પછીથી તોફાનો હાથ બહાર ગયા જાહેર મકાનો ઉપર તોડફોડ કરાઈ, મોટા મોલ્સ અને દુકાનો પણ લૂંટાઈ ચારે તરફ પથ્થરબાજી સાથે અરાજકતા ફેલાઈ રહી હતી.
આ તોફાનોમાં અનેકને ઈજાઓ થઈ હતી તે પૈકી બેને તો અતિ ગંભીર ઈજાઓ થઈ હતી. લીયોનામાં પોલીસને ટીયરગેસ છોડવો પડયો હતો. જ્યારે નેન્ટીઝમાં હજારો દેખાવકારો પોલીસ કોર્ડન તોડીને ટીયરગેસ કે વોટર કેનની પણ પરવા કર્યા સિવાય શહેરના મધ્યભાગ સુધી પહોંચી ગયા હતા. માર્સીલે, ગ્રેનોબ્લે, મોન્ટપેલ્લીયર અને ટોલોઝ (ટૂર્સ)માં લૂંટફાટ શરૂ થઈ ગઈ હતી.
આવી પરિસ્થિતિ દેશના અનેક ભાગોમાં જોવા મળી હતી. ચારે તરફ લૂંટફાટ, મોટરો સળગાવવાની ઘટનાઓ, સરકારી મકાનોમાં તોડફોડ કેટલાક મકાનોમાં લોકો આગ પણ ચાંપતાં દેશમાં અરાજકતા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
તેવામાં બ્લેક-શર્ટસની સામે મરીજલ-પેનની ફાર-રાઇટ-પાર્ટી મેદાને પડી છે. તેઓ યલો શર્ટસ પહેરે છે. 'બ્લેક શર્ટસ'ની સામે 'યલો શર્ટસ' એકદમ જમણેરી છે. 'બ્લેક શર્ટસ' મૂળ તો મુસોલિનીની ફાસીસ્ટ પાર્ટીનો યુનિફોર્મ હતો. તે જમણેરી પાર્ટી હતી. પરંતુ ફ્રાંસનાં બ્લેક શર્ટસ તદ્દન ડાબેરી છે.
આ ડાબેરીનો ઉપર પેલા યલો શર્ટસ હુમલા કરે છે.
આમ મૂળ ભૂખમાંથી જાગેલાં તોફાનો હવે રાજકીય બની રહ્યાં છે. અમેરિકા સહિત ઘણા દેશો મેક્રોની ટીકા કરે છે કે તેઓ શાંતિ સ્થાપી શકતા નથી. પરંતુ હવે તો આવા રમખાણો ઈટાલી, સ્પેન, આલ્બેનિયા, પોર્તુગલ અને છેક આર્જેન્ટીના સુધી પ્રસરી રહ્યાં છે. હેલ્ડઝ અને હેવનોટસ વચ્ચેનો સંઘર્ષ બની રહ્યો છે.











