મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હિન્દુ મંદિરમાં સામૂહિક ગોળીબારનું કાવતરું: અમેરિકામાં આતંકવાદી ધમકીઓ આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ

હિન્દુ મંદિરમાં સામૂહિક ગોળીબારનું કાવતરું: અમેરિકામાં આતંકવાદી ધમકીઓ આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ

: અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને એક ભયાનક નરસંહારની સાજીશ રચવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અમેરિકી રાજ્ય ઈલિનોઈસ (Illinois) ના ઓરોરા (Aurora) વિસ્તારમાં આવેલા એક હિન્દુ પૂજાસ્થળ પર હુમલો કરવાની તૈયારી કરી રહેલા 19 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ યુવક નવરાત્રીના પવિત્ર અવસર પર આ હુમલો અંજામ આપવાની ફિરાકમાં હતો.

'શ્વેત વર્ચસ્વ' ની માનસિકતા અને મેનિફેસ્ટો જપ્ત

અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપીની ઓળખ એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસ (Alexandros Paporakis) તરીકે થઈ છે. તપાસ દરમિયાન પોલીસને એક મેનિફેસ્ટો હાથ લાગ્યો છે, જેમાં 'શ્વેત વર્ચસ્વ' (White Supremacy) જેવી ચરમપંથી વિચારધારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ડૉક્યુમેન્ટમાં દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસા આચરવાની વાતો લખવામાં આવી હતી.

માસ શૂટિંગ (મોટા પાયે ગોળીબાર) ની આ કાવતરાભરી યોજનાનો પર્દાફાશ થયા બાદ 11 ઓક્ટોબરે આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે અને આગામી ૩૦ ઓક્ટોબરે તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કેવી રીતે થયો ખુલાસો?

આ ખતરનાક કાવતરાનો પર્દાફાશ એક સતર્ક નાગરિકના કારણે થયો. માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ વિભાગને એક વ્યક્તિ પાસેથી માહિતી મળી હતી કે તેને આરોપી પેપોરાકિસ તરફથી કેટલાક અત્યંત ચિંતાજનક મેસેજ મળ્યા છે. આ મેસેજ સાથે એક ડૉક્યુમેન્ટ શેર કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે ગોળીબાર કરવાની પ્લૅનિંગ અને રાઇફલ, બોડી આર્મર જેવા હથિયારો સાથેની તસવીરો સામે સામે આવી હતી. ડિટેક્ટિવ્સની તપાસમાં સામે આવ્યું કે પેપોરાકિસ રવિવારે જ હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે, પોલીસની સમયસૂચકતા અને સતર્કતાને કારણે સમયસર તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ઘરેથી મળ્યા અત્યાધુનિક હથિયારો

પોલીસે જ્યારે આરોપીના ઘરની તલાશી લીધી ત્યારે ત્યાંથી ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. પોલીસને એક રાઇફલ, રાઇફલની અનેક લોડેડ મેગઝીન, સેંકડો રાઉન્ડ ગોળા-બારૂદ અને ટૅક્ટિકલ સાધનો મળી આવ્યા છે. ખાસ કરીને એક ટૅક્ટિકલ વેસ્ટ મળી આવી જેના પર શ્વેત વર્ચસ્વવાદી ચરમપંથ સાથે જોડાયેલા પેચ લાગેલા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે તરત જ ઓરોરા વિસ્તારના હિન્દુ પૂજાસ્થળોનો સંપર્ક કર્યો હતો અને તેમને આ સંભવિત ખતરા અંગે સતર્ક કર્યા હતા. 'હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન' (Hindu American Foundation) એ કાયદાકીય અને સુરક્ષા એજન્સીઓની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી છે. હાલ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના સહયોગથી આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

 

આ સમાચાર શેર કરો