પાકિસ્તાનને UNમાં કરજદાર દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું!

૨૯૦અબજ ડોલર,આ આંકડો પાકિસ્તાનના કુલ કરજનો છે. દેશની જીડીપીના ૭૪ ટકા જેટલું કરજ લઈને ઓલમોસ્ટ દેવાળિયું થવા તરફ સંગીન ગતિએ આગળ વધી રહેલું પાકિસ્તાન હંમેશા લોન લેવા તત્પર રહે છે. ચીન અને સાઉદી તો એના બજેટમાં અમુક રકમ પાકિસ્તાનને દાનમાં આપવા અલગ જ રાખી મૂકે છે! છેલ્લે લોનનો ક્યાંયથી મેળ ન પડે તો પાકિસ્તાનના વઝીર-એ-આઝમ યાને વડાપ્રધાન ચીન કે સાઉદીની યાત્રાએ પહોંચી જાય છે. ચીન અને સાઉદી પણ આ માટે તૈયાર હોય છે. તેમને પાક્કી ખાતરી હોય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન આવે છે તો થોડા અબજની લોન લઈને જ પાછા જશે.
ચીન અને સાઉદી પાસેથી થોડી રકમ મળે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના માપદંડો જાળવી રાખવા આઈએમએફની થોડી લોન ચૂકવે ને પછી નવેસરથી લોન માટે અરજી કરે. ચીન પાકિસ્તાનનો ઉપયોગ હંમેશા ભારત સામે કરવા માંગે છે. લાંબાંગાળાનો ડિફેન્સ વ્યૂહ વિચારીને ચીન પાકિસ્તાનને કરજના કાદવમાં નાખે છે. સાઉદીને પાકિસ્તાન પાસેથી જરૂર પડે તો લશ્કરી સહાયની અપેક્ષા રહે છે. સાઉદીને પરમાણુ હથિયારોની ટેકનોલોજી જોઈએ છે અને એ પાકિસ્તાન આપી શકે તેમ છે. શક્ય છે કે કદાચ પરમાણુ બોમ્બની ટેકનોલોજી પાકિસ્તાને સાઉદીને આપી પણ દીધી હોય, પરંતુ સાઉદી-અમેરિકા વચ્ચે હજુ પરમાણુ કરાર થયો ન હોવાથી સાઉદીનો પરમાણુ પ્રોગ્રામ આગળ વધતો નથી. સાઉદીને પાકિસ્તાનમાં રોકાણ કરીને લાંબાંગાળે વળતરની પણ અપેક્ષા ખરી. પાકિસ્તાનના ખનીજો પર ચીનની જેમ સાઉદીની નજર રહે છે. વળી, ચીન-સાઉદી બંનેને પાકિસ્તાનનું માર્કેટ મળે છે એટલે તેના બદલામાં લોન આપી દે છે.
શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી ૨૦૨૪માં આઈએમએફ પાસેથી પાકિસ્તાનને સાત અબજ ડોલરનું ફંડ મળ્યું હતું. ૨૦૨૪માં આઈએમએફ પાસેથી સૌથી વધુ લોન મેળવનારો ચોથો દેશ પાકિસ્તાન બન્યો હતો. આઈએમએફ પાસેથી ફંડ મેળવવામાં આર્જેન્ટિના ૩૨ અબજ ડોલર સાથે પહેલા, ઈજિપ્ત ૧૧ અબજ ડોલર સાથે બીજા ક્રમે છે ને યુદ્ધગ્રસ્ત યુક્રેન પર આઈએમએફ એટલું મહેરબાન થયું કે તેને ૧૦ અબજ ડોલરની લોન આપી હતી. એ પછી પાકિસ્તાનનો ક્રમ આવે છે. વિશ્વબેંકની લોન મેળવનારા દેશોમાંય પાકિસ્તાનનું નામ મોખરે છે. વિશ્વબેંક પાસેથીય પાકિસ્તાને સાડા પાંચ અબજ ડોલરની લોન મેળવી હતી. ડિસેમ્બર ૨૦૨૫માં આઈએમએફે ફરીથી પાકિસ્તાનને ૧.૨ અબજ ડોલરની લોન આપી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન અને લશ્કરી વડા મુનીર અમેરિકામાં ટ્રમ્પને મળી આવ્યા પછી ટ્રમ્પની ખાનગી ભલામણથી આ લોન મંજૂર થઈ હતી.
ક્યા દેશે કોની પાસેથી લોન મેળવી છે એનો વાષક અહેવાલ વર્લ્ડ બેંક આપે છે. એ પ્રમાણે પાકિસ્તાનને સૌથી વધુ લોન ચીને આપી છે. વિદેશી લોનની કેટેગરીમાં પાકિસ્તાને ચીન પાસેથી કુલ ૨૯ અબજનું કરજ લીધું છે. પાકિસ્તાન પર કુલ ૧૨૧ અબજ ડોલરનું વિદેશી કરજ છે. એમાંથી ૨૫ ટકા કરજ તો ચીનનું છે. પાકિસ્તાન પર વિશ્વબેંકની કુલ ૨૩ અબજ ડોલરની ઉધારી છે. એ ટોટલ કરજમાં ૧૮ ટકા છે. એશિયાઈ વિકાસ બેંકની ઉધારીનો હિસ્સો ૧૫ ટકા છે. પેરિસ ક્લબની ૧૧.૩ અબજ ડોલરની લોન છે. વિશ્વની આથક સંસ્થાઓના કરજ સિવાયની વાત કરીએ તો ચીન પછી સાઉદી અરેબિયા પાકિસ્તાનને કરજ આપવામાં બીજા સ્થાને છે. સાઉદીએ પાકિસ્તાન પર મહેરબાન થઈને ૯.૧૬ અબજ ડોલરનું ફંડ આપી દીધું છે અને હજુય પાકિસ્તાનમાં ઓઈલ રિફાઇનરી બનાવવાનો કરાર થયો છે. એના ભાગરૂપે નવેસરથી પાંચેક અબજ ડોલરની લોન આપવાની સાઉદીની ગણતરી છે. આટલું ઓછું હતું તે સાઉદીએ સપોર્ટ પેકેજના ભાગરૂપે આઠ અબજ ડોલર આગામી વર્ષોમાં આપવાની જાહેરાત પણ કરી છે. અત્યારે પાકિસ્તાનના કુલ કરજમાં સાઉદીનો હિસ્સો ૮-૧૦ ટકા જેટલો છે.
આટઆટલું ફંડ લેવા છતાં પાકિસ્તાનના અર્થતંત્રની ગાડી પાટા પર ચડતી નથી. પાકિસ્તાનની સરકારોની નબળી આર્થિક નીતિઓ આવી પરિસ્થિતિ માટે જવાબદાર છે ને તે સિવાયનું સૌથી મહત્ત્વનું કારણ છે લશ્કરી એક્સપેન્સ. દર વર્ષે પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ સરેરાશ ૧૦-૧૨ અબજ ડોલર જેટલું હોય છે. પાકિસ્તાનની સરકાર જીડીપીના એવરેજ ચાર ટકા બજેટ ડિફેન્સ પાછળ ફાળવે છે. ડિફેન્સ બજેટમાંથી વર્ષે ૨૧થી ૨૫ કરોડ ડોલરનાં શસ્ત્રો ખરીદે છે. આ બજેટ કલ્યાણકારી યોજનાઓ માટે ફાળવાતું હોત કે લોકોની આવક વધારવા માટે એનો ઉપયોગ થતો હોત તો પાકિસ્તાનનું દેવું ઓછું થાત. લોનમાંથી નવી સંપત્તિનું સર્જન થાત તો ધીમે ધીમે અર્થતંત્રની ગાડી પાડે ચડી જાત, પણ પાકિસ્તાનની પ્રજાના કપાળે એવા નેતાઓ લખાયા નથી કે જે અર્થતંત્રની ગાડી પૂરપાટ ઝડપે દોડાવવાના સપના જુએ. પરિણામે કરજદાર પાકિસ્તાન સતત ને સતત નવા કરજમાં ડૂબે છે અને હવે આ કરજે જ પાકિસ્તાનને યુએનની એક કાઉન્સિલમાં પ્રમુખપદ આપ્યું છે!
વાત એમ બની કે સંયુક્ત રાષ્ટ્રસંઘે કરજદાર દેશોનું એક પ્લેટફોર્મ બનાવ્યું. પાકિસ્તાન સહિત ૩૪ દેશો એના સભ્ય છે. નેચરલી, જે દેશો યુએનના સભ્ય છે ને કરજમાં ડૂબેલા છે એવા દેશોનું એ પ્લેટફોર્મ છે. હેતુ એવો છે કે વિકસિત ને વિકાસશીલ દેશોના નાણામંત્રીઓ, આર્થિક સલાહકારો, કેન્દ્રીય બેંકોના ગવર્નરો આ મંચના દેશોને આર્થિક બાબતોની સલાહ આપે. કેવી કેન્દ્રીય પોલિસી લાગુ પાડીને અર્થતંત્રની ટ્રેન પાટે ચડાવી શકાય એનું માર્ગદર્શન આપે. જે દેશોને આવી સ્થિતિનો અગાઉ અનુભવ થયો હોય એ તેમનો કેસ સ્ટડી જણાવે. એમાંથી આ ૩૪ દેશો કંઈક શીખે ને પોતાના દેશમાં લાગુ પાડે તો કરજનો બોજ હળવો થાય.
યુએને આ ૩૪ કરજદાર દેશોના મંચનું નેતૃત્વ પાકિસ્તાનને સોંપ્યું. પાકિસ્તાન ગવર્નિંગ કાઉન્સિલ ઓફ બોરોઅર્સના મંચનું પ્રથમ અધ્યક્ષ બન્યું! આ સન્માન પાકિસ્તાનને એટલે મળ્યું કે તેને લોન લેવાનો અને લોન લીધા પછી ઉડાવી દેવાનો બહોળો અનુભવ છે. તાજેતરમાં જ થાઈલેન્ડમાં આ ૩૪ કરજદાર દેશોના નાણામંત્રીઓ, આર્થિક સલાહકારોની બેઠક મળી. પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઓરંગઝેબ આ મંચના અધ્યક્ષ હતા.
ઈન્ટરેસ્ટિંગ્લી, ભારત યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની દાવેદારી કરે છે અને એમાં રશિયા, જાપાન, જર્મની સહિતના કેટલાય દેશો સમર્થન આપી રહ્યા છે. કરજદાર દેશોના મંચનું પ્રથમ અધ્યક્ષ બનેલું પાકિસ્તાન ભારતની દાવેદારીનો કાયમ ખોટો વિરોધ કરે છે અને એ વિરોધ કરતાં કરતાં જ કરજમાં ડૂબીને બોરોઅર્સ કાઉન્સિલનું અધ્યક્ષ બની ગયું. પાકિસ્તાને આતંકી અજગરોને ઝેર પાઈને ઉછેર્યા ન હોત, ભારત સામે પ્રોક્સી વોરમાં રચ્યા-પચ્યા રહીને આર્થિક ખુંવારી ન નોંધાવી હોત તો આ સ્થિતિ આવી ન હોત. ભારત કાયમી સભ્યપદની દાવેદારી કરી રહ્યું છે, કારણ કે ૮૦ વર્ષમાં ભારતની તમામ સરકારોએ હકારાત્મક આર્થિક વલણ જાળવીને વિકાસને પ્રોત્સાહન આપ્યું. પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓએ અને નેતાઓએ ભારત પાસેથી આ હકારાત્મકતા શીખવા જેવી હતી.








