Asian Games 2026 : ભારતે જીત્યો ક્રિકેટનો ગોલ્ડ, રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાનને 19 રનથી ચટાવી ધૂળ

ભારતે એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટ ફાઇનલમાં પાકિસ્તાનને 19 રનથી હરાવીને સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) જીતી લીધો છે.
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. ભારતે શનિવારે પુરુષ ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં પાકિસ્તાનને 19 રનથી પરાજય આપ્યો છે. ભારતે નિશિન સિટીના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 6 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવી શકી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 33 રનની જરૂર હતી, પરંતુ ટીમ લક્ષ્ય સુધી પહોંચી શકી નહીં. 2025માં એશિયા કપ જીત્યા બાદ હવે ભારતે 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
ટોસ પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ઝડપી શરૂઆત કરી. વૈભવ સૂર્યવંશીએ 9 બોલમાં 15 રન બનાવ્યા, જેમાં 2 સિક્સર સામેલ હતી. આ પછી ભારતે 3.2 ઓવરમાં 50 રન પૂરા કરી લીધા.
ભારતને પહેલો ઝટકો વૈભવના રૂપમાં લાગ્યો. આ પછી સંજુ સેમસન પણ 4 બોલમાં 2 રન બનાવીને આઉટ થઈ ગયો. 6 ઓવર પછી ભારતનો સ્કોર 81/2 હતો. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતા 28 બોલમાં 61 રન બનાવ્યા. તેમની ઇનિંગ્સમાં 6 સિક્સર અને 3 ચોગ્ગા સામેલ હતા.
અભિષેકના આઉટ થયા પછી ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. ઈશાન 18 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો, જ્યારે શ્રેયસ અય્યરે 24 બોલમાં 21 રન બનાવ્યા.
ભારતે 14.1 ઓવરમાં 133/5 નો સ્કોર બનાવ્યો હતો. આ પછી શિવમ દુબે અને તિલક વર્માએ ઝડપી બેટિંગ કરીને ઈનિંગ્સને ગતિ આપી. બંને વચ્ચે માત્ર 25 બોલમાં 50 રનની ભાગીદારી થઈ.
શિવમ દુબે 15 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 2 સિક્સર સામેલ હતી. આ પછી તિલક વર્માએ 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તે 51 રન બનાવીને અણનમ રહ્યો. અક્ષર પટેલ 1 રન પર અણનમ પરત ફર્યો.
આ રીતે ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 211 રન બનાવ્યા અને પાકિસ્તાન સામે 212 રનનો ટાર્ગેટ મૂક્યો.
પાકિસ્તાનની શરૂઆત રહી ઝડપી
212 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે શરૂઆતમાં ઝડપથી રન બનાવ્યા. 2 ઓવર પછી તેનો સ્કોર 21/0 હતો. જોકે, આ પછી ભારતીય બોલરોએ સતત વિકેટો ઝડપી.
સાહિબઝાદા ફરહાન 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. આ પછી અક્ષર પટેલે ઉસ્માન ખાનને 6 બોલમાં 3 રનના સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો. માઝ સદાકત પણ 18 બોલમાં 23 રન બનાવીને અક્ષરનો શિકાર બન્યો. 7 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 42/3 હતો.
હસન નવાઝ અને સાઇમ અય્યુબે વધારી ભારતની ચિંતા
ત્રણ વિકેટ પડ્યા પછી હસન નવાઝ અને સાઇમ અય્યુબે પાકિસ્તાનની ઇનિંગ્સને સંભાળી. બંને વચ્ચે 32 બોલમાં 55 રનની ભાગીદારી થઈ. 13 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 117/3 હતો. હસન નવાઝે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ભાગીદારીના કારણે ભારતને વિકેટની શોધ હતી.
શિવમ દુબેએ તોડી ખતરનાક ભાગીદારી
શિવમ દુબેએ સાઇમ અય્યુબને પોતાના પહેલા જ બોલ પર આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી. અય્યુબ 22 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 1 સિક્સર સામેલ હતી. વોશિંગ્ટન સુંદરે તેનો કેચ ઝડપ્યો. આ પછી પાકિસ્તાનને સતત આંચકા લાગ્યા. અબ્દુલ સમદ 9 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો.
છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જોઈતા હતા 33 રન
પાકિસ્તાનની ટીમ ટાર્ગેટની નજીક પહોંચવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ ભારતીય બોલરોએ છેલ્લી ઘડી સુધી દબાણ જાળવી રાખ્યું. અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 33 રનની જરૂર હતી. હસન નવાઝ 84 રન બનાવીને ક્રિઝ પર હાજર હતો, પરંતુ પાકિસ્તાનની ટીમ છેલ્લા 6 બોલમાં જરૂરી રન બનાવી શકી નહીં.
છેલ્લા બોલની સાથે જ ભારતે મુકાબલો 19 રનથી પોતાના નામે કરી લીધો અને એશિયન ગેમ્સ 2026 માં પુરુષ ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીતી લીધો.

