Asian Gamesમાં પરવીન હુડ્ડાએ શાનદાર વાપસી કરી, ચીની તાઈપેઈ ખેલાડીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

2 ઓક્ટોબર 2026 એશિયન ગેમ્સમાં ભારત માટે ખાસ દિવસ હતો. ભારતે પહેલાથી જ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાં પરવીન હુડ્ડાએ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. ચાર વર્ષ પહેલાં પરવીન હુડ્ડાએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરી હતી, પરંતુ પાછળથી 22 મહિનાના પ્રતિબંધને કારણે તે મેડલ છીનવાઈ ગયો હતો. જોકે, આ આંચકા છતાં તે દૃઢ રહી. હવે ચાર વર્ષ પછી નાગોયા એશિયન ગેમ્સમાં 65 કિગ્રા વર્ગમાં એક નજીકના અને તીવ્ર ફાઈનલ મુકાબલામાં તેણે ચાઈનીઝ તાઈપેઈ ખેલાડી ચેન નિએન-ચીનને 3-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો, જે રિંગમાં એક મોટી વાપસી દર્શાવે છે.
ITA દ્વારા પરવીન પર 22 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
પરવીન હુડ્ડાએ એશિયન ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે, તેના ઠેકાણા વિશે સચોટ માહિતી આપવામાં નિષ્ફળ જવાને કારણે ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA) એ તેના પર 22 મહિનાનો પ્રતિબંધ લાદ્યો. આ પ્રતિબંધથી તેનો હાંગઝોઉ એશિયન ગેમ્સમાંથી બ્રોન્ઝ મેડલ છીનવાઈ ગયો અને 11 ડિસેમ્બર, 2022થી 17 મે, 2024 સુધીના તેના બધા પરિણામો રદ્દ કરવામાં આવ્યા. આ સસ્પેન્શનથી તેનું ઓલિમ્પિકનું સપનું ચકનાચૂર થઈ ગયું અને તે પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનમાં ભાગ નહતી લઈ શકી.
પરવીન એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે
પરવીન હુડ્ડા અગાઉ 63 કિગ્રા વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. તે તેના ઉત્તમ રિંગ ફૂટવર્ક, ચોક્કસ વ્યૂહરચના અને દબાણ હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જાણીતી છે. 2022 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી. તે જ વર્ષે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ તેણે વર્લ્ડ કપ અને એશિયન ચેમ્પિયનશિપ જેવી મોટી સ્પર્ધાઓમાં દેશનું નામ રોશન કર્યું. 2025 વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલમાં ગોલ્ડ જીત્યા પછી હવે 65 કિગ્રા વર્ગમાં એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ જીતીને તેની નોંધપાત્ર સિદ્ધિઓમાં વધુ એક પ્રકરણ ઉમેર્યું.
મુખ્ય ટુર્નામેન્ટમાં પરવીન હુડ્ડાના મેડલ
- 2026 એશિયન ગેમ્સ: ગોલ્ડ
- 2025 વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ - ગોલ્ડ
- 2022 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ - ગોલ્ડ
- 2022 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ - બ્રોન્ઝ

