ચીનમાં બાળકોની અછત, વસ્તીમાં ઐતિહાસિક ઘટાડો: શું મહાસત્તા બનવાનું સપનું રોળાઈ જશે?
ચીન દાયકાઓ સુધી દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહ્યો હતો, પરંતુ હવે તે એક ઐ

ચીન દાયકાઓ સુધી દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહ્યો હતો, પરંતુ હવે તે એક ઐતિહાસિક અને ચિંતાજનક વસ્તી વિષયક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. 2023માં ભારત સામે 'સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ'નો તાજ ગુમાવ્યા બાદ, 2025ના આંકડા ચીન માટે ભયજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે.
ચીનની વસ્તીમાં ભારે ઘટાડો
નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના તાજેતરના આંકડા મુજબ, 1960ના દાયકાના ભયાનક દુકાળ પછી પહેલીવાર ચીનની વસ્તીમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.
-
વસ્તીમાં ઘટાડો: 2025માં ચીનની કુલ વસ્તીમાં 33.9 લાખનો ઘટાડો થયો છે.
-
ઐતિહાસિક નીચો જન્મદર: વર્ષ 2025માં માત્ર 79.3 લાખ બાળકોનો જન્મ થયો, જે 1949 પછીનો સૌથી નીચો આંકડો છે.
-
પ્રજનન દર: વસ્તી સ્થિર રાખવા માટે પ્રજનન દર 2.1 હોવો જોઈએ, જે ચીનમાં ઘટીને 1.3 પર આવી ગયો છે.
- લિંગ અસંતુલન: ચીનમાં પુત્રોની ઇચ્છાને કારણે તાજેતરના દાયકાઓમાં સ્ત્રી ભ્રૂણહત્યાના કિસ્સાઓ બન્યા છે, જેના કારણે લિંગ ગુણોત્તર વધુ ખરાબ થયો છે. તાજેતરના વર્ષોમાં આ ગુણોત્તર સ્થિર થયો છે, જે પ્રતિ ૧૦૦ છોકરીઓએ ૧૦૪ છોકરાઓ સુધી પહોંચી ગયો છે, છતાં પણ બાળજન્મની ઉંમર ધરાવતી સ્ત્રીઓની નોંધપાત્ર અછત છે.
અર્થતંત્ર અને સમાજ પર શું અસર પડશે?
વસ્તીમાં આ ઘટાડો માત્ર આંકડા પૂરતો મર્યાદિત નથી, તેની ગંભીર આર્થિક અસરો થવાની સંભાવના છે:
-
ઘટતો વર્કફોર્સ: કામ કરી શકે તેવી વસ્તી (16 થી 59 વર્ષ) સતત ઘટી રહી છે. 2025માં તે કુલ વસ્તીના માત્ર 60.6% રહી ગઈ છે.
-
વૃદ્ધોની વધતી સંખ્યા: અનુમાન છે કે 2034 સુધીમાં ચીનની 30% વસ્તી 60 વર્ષથી વધુ ઉંમરની હશે, જેનાથી પેન્શન અને આરોગ્ય સેવાઓ પર બોજ વધશે.
-
મોંઘી મજૂરી: શ્રમિકોની અછતને કારણે ચીનમાં બનેલી વસ્તુઓ મોંઘી થશે, જે તેની ગ્લોબલ ઈકોનોમી પરની પકડ નબળી પાડી શકે છે.
-
હાઉસિંગ સંકટ: નવા પરિવારો ઓછા બની રહ્યા હોવાથી ઘરોની માંગ ઘટી રહી છે, જે ચીનના કન્સ્ટ્રક્શન ઉદ્યોગ માટે મોટું સંકટ છે.
પરિસ્થિતિ સુધારવા ચીન સરકારના પ્રયાસો
સરકાર વસ્તી વધારવા માટે આક્રમક પગલાં લઈ રહી છે, પરંતુ પરિણામ હજુ દેખાતું નથી:
-
નીતિમાં ફેરફાર: 2016માં 'વન-ચાઇલ્ડ પોલિસી' ખતમ કરી હવે ત્રણ બાળકો સુધીની મંજૂરી અપાઈ છે.
-
રોકડ સહાય: 1 જાન્યુઆરી, 2025 પછી જન્મેલા દરેક બાળક માટે સરકાર વાર્ષિક અંદાજે ₹41,000 ની સબસિડી આપી રહી છે.
-
નિવૃત્તિની ઉંમરમાં વધારો: કામ કરતા લોકોની સંખ્યા જાળવી રાખવા સરકારે નિવૃત્તિની ઉંમર 5 વર્ષ વધારવાની યોજના બનાવી છે.
-
ખર્ચમાં ઘટાડો: શિક્ષણનો ખર્ચ ઓછો કરવા ટ્યુશન ઈન્ડસ્ટ્રી પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
ચીન માટે 'બુઢા થતા પહેલા અમીર બનવું' એ એક મોટો પડકાર બની ગયો છે. જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોના અનુભવો દર્શાવે છે કે એકવાર જન્મદર ઘટી જાય પછી તેને સબસિડી કે રોકડ પ્રોત્સાહનથી વધારવો અત્યંત મુશ્કેલ હોય છે. ચીન હવે તેની ભૂતકાળની 'વન-ચાઇલ્ડ પોલિસી'ની ભારે કિંમત ચૂકવી રહ્યું છે.








