VIDEO: તેહરાનમાં 20 મોટા ધડાકા, ટ્રમ્પે યુદ્ધના અંતને લઈ કર્યો મોટો દાવો, તો IRGCએ આપી આકરી પ્રતિક્રિયા
અમેરિકા અને ઇઝરાયલની સેનાએ સોમવાર-મંગળવારની મધ્યરાત્રિએ ઈર
અમેરિકા અને ઇઝરાયલની સેનાએ સોમવાર-મંગળવારની મધ્યરાત્રિએ ઈરાનની રાજધાની તેહરાન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કરતા 20થી વધુ ભારે ધડાકા કર્યા હતા. શહેરના પશ્ચિમ ભાગોમાં થયેલા આ હુમલા દરમિયાન અડધા કલાક સુધી બોમ્બર વિમાનોનો ગુંજારવ સંભળાતો રહ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની સેના સંપૂર્ણપણે નાશ પામી છે અને યુદ્ધનો અંત નજીક છે, જ્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ યુદ્ધનો અંત પોતે નક્કી કરવાની ગર્જના કરી છે.
ખરેખર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ હવે તેના અંતિમ તબક્કામાં છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકી સેના તેમના દ્વારા નક્કી કરવામાં આવેલા 4-5 અઠવાડિયાના સમય કરતા ઘણી આગળ ચાલી રહી છે.
'ઈરાનનું નામનિશાન ખતમ કરી દઈશું'
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે હવે ન તો નૌકાદળ બચ્યું છે કે ન તો વાયુસેના. તેમના મિસાઈલ ભંડાર અને ડ્રોન બનાવવાની ફેક્ટરીઓ પણ તબાહ કરી દેવામાં આવી છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન હવે કોઈ 'ચાલાકી' કરશે તો તે દેશનું નામનિશાન મિટાવી દેવામાં આવશે અને દુનિયા ફરી ક્યારેય ઈરાનનું નામ સાંભળશે નહીં.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિયંત્રણ લેવાનું વિચારી રહ્યા છે અને ચેતવણી આપી કે જો ઈરાન ઓઈલ શિપમેન્ટ રોકવાનો પ્રયાસ કરશે તો તે ઈરાન માટે અંત હશે.
અમે નક્કી કરીશું યુદ્ધનો અંત: IRGC
ટ્રમ્પના આ નિવેદન પર પલટવાર કરતા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પ્રતિક્રિયા આપી છે. IRGCના પ્રવક્તાએ કહ્યું, "યુદ્ધનો અંત અમે જ નક્કી કરીશું. જો અમેરિકા અને ઇઝરાયલના હુમલા ચાલુ રહેશે, તો તેહરાન આ ક્ષેત્રમાંથી 'એક લિટર તેલ'નું નિકાસ પણ થવા દેશે નહીં." તેમણે ટ્રમ્પની ટિપ્પણીઓને વાહિયાત ગણાવી ચેતવણી આપી કે આ વિસ્તારમાં સુરક્ષા કાં તો બધા માટે હશે અથવા કોઈ માટે નહીં હોય.
તેહરાનમાં ભીષણ તબાહી
આ નિવેદનો વચ્ચે અમેરિકી અને ઇઝરાયેલી સેનાએ મોટા હુમલા કર્યા હતા. અહેવાલો અનુસાર, ઇઝરાયેલી સેનાએ તેહરાનની આસપાસના વિસ્તારોમાં એર સ્ટ્રાઈક કરીને 20થી વધુ સ્થળોએ બોમ્બ વરસાવ્યા હતા. યુદ્ધની શરૂઆત પછી તેહરાન પર આ અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો માનવામાં આવે છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિસ્તારોમાં વિસ્ફોટ થયા હતા, જ્યાં લગભગ અડધા કલાક સુધી લડાકુ વિમાનોનો અવાજ સતત સંભળાતો રહ્યો હતો. હુમલાને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને લોકો સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા.








