VIDEO: ઈરાનની મહિલા ખેલાડીઓને પોતાના ઘરે પરત ફરવામાં જોખમ! ટ્રમ્પ સાથે વાતચીત બાદ ઓસ્ટ્રેલિયામાં અપાઈ શરણ
ઈરાનમાં સંકટ સતત ઘેરું બની રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓ સતત ચાલુ છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયા સરકારને ઈરાનની મહિલા ખેલાડીઓને શરણ આપવા અપીલ કરી છે. આ બાબતે તેમણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે વાત કરી છે. આ અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે જો મહિલા ખેલાડીઓને ઈરાન પરત મોકલવામાં આવશે, તો ત્યાં તેમના જીવનું જોખમ છે.
હકીકતમાં, ઈરાનની મહિલા ફૂટબોલ ટીમ એશિયન કપ રમવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ત્યાં કેટલીક મહિલા ખેલાડીઓએ ઈરાનનું રાષ્ટ્રગીત ગાયું નહોતું, જેને ઈરાની શાસનના વિરોધ તરીકે જોવામાં આવ્યું હતું. હવે ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ કેટલીક ખેલાડીઓ પરત ફરી છે, પરંતુ કેટલીક હજુ પણ ઓસ્ટ્રેલિયામાં જ છે.
ટ્રમ્પે ઓસ્ટ્રેલિયન પીએમ સાથે કરી વાત
આ સંદર્ભમાં સોમવારે ટ્રમ્પે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે વાત કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "મેં હમણાં જ ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ઈરાની વિમેન્સ સોકર ટીમ વિશે વાત કરી. તેઓ આ મુદ્દે કામ કરી રહ્યા છે. જોકે, કેટલાકને લાગે છે કે તેમણે પરત જવું જોઈએ કારણ કે તેઓ તેમના પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત છે. ગમે તે હોય, વડાપ્રધાન આ નાજુક સ્થિતિને સંભાળવામાં ઘણું સારું કામ કરી રહ્યા છે."
જોકે, આ પહેલા ટ્રમ્પે અન્ય એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ઈરાની ખેલાડીઓને પરત મોકલીને ઓસ્ટ્રેલિયા બહુ મોટી ભૂલ કરી રહ્યું છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું હતું કે, "ઈરાની ખેલાડીઓને ઈરાન પરત જવાની મંજૂરી આપીને ઓસ્ટ્રેલિયા એક મોટી માનવીય ભૂલ કરી રહ્યું છે, જ્યાં તેમના જીવને સૌથી વધુ જોખમ છે. આવું ન કરો, વડાપ્રધાન, તેમને શરણ આપો. જો તમે નહીં આપો, તો અમેરિકા તેમને શરણ આપશે."
ઓસ્ટ્રેલિયાએ ઈરાની ખેલાડીઓને શરણ આપી
ઓસ્ટ્રેલિયાએ ઈરાનની મહિલા ફૂટબોલ ટીમના પાંચ સભ્યોને શરણ આપી દીધી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જણાવ્યું હતું કે આ ખેલાડીઓ અહીં સુરક્ષિત છે અને તેમણે અહીં ઘર જેવું અનુભવવું જોઈએ.

