એક જ કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની સૌથી મોટી ધમકી

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ફરી વધી રહ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનની વર્તમાન સત્તા ઉથલાવવાની ચેતવણી આપ્યા બાદ ઈરાન તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના વડા ઇબ્રાહિમ અઝીઝીએ ચેતવણી આપી છે કે જો ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતો પર હુમલો થશે, તો ઇઝરાયલને એક કલાકથી પણ ઓછા સમયમાં રહેવા લાયક નહીં છોડવામાં આવે.
અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલનાં મહત્ત્વનાં માળખાં દર્શાવતો નકશો પણ શેર કર્યો છે. તેમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવતા પ્લાન્ટ, વીજમથકો, તેલ રિફાઇનરી, ઇંધણ સંગ્રહ કેન્દ્રો, પુલ અને ડિમોના પરમાણુ સંશોધન કેન્દ્ર સહિતનાં સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઈરાની નેતાની ધમકી છે; આ સ્થળો પર હુમલો થયો હોવાના અહેવાલ નથી.
ઈરાને કયા સ્થળોને નિશાન બનાવવાની ધમકી આપી?
ઇબ્રાહિમ અઝીઝીએ નેતન્યાહુના નિવેદનના જવાબમાં આ પોસ્ટ કરી હતી. ઈરાની મીડિયા અહેવાલો અનુસાર, શેર કરવામાં આવેલા નકશામાં ઇઝરાયલનાં વિવિધ મહત્ત્વનાં માળખાં દર્શાવવામાં આવ્યાં છે.
- વોટર ડિસેલિનેશન પ્લાન્ટ: સોરેક, હેડેરા, અશદોદ અને અશકેલોનનાં પ્લાન્ટનો ઉલ્લેખ છે. આ પ્લાન્ટ દરિયાના પાણીને પીવાલાયક બનાવે છે.
- વીજમથકો: ઓરોટ રાબિન અને એશ્કોલ વીજમથકોને સંભવિત નિશાન તરીકે દર્શાવવામાં આવ્યાં છે.
- તેલ રિફાઇનરી અને ઇંધણ સંગ્રહ: હાઇફા અને અશદોદની તેલ રિફાઇનરી તથા ઇંધણ સંગ્રહ કેન્દ્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- પરમાણુ સંશોધન કેન્દ્ર: ડિમોના સ્થિત પરમાણુ સંશોધન કેન્દ્રને પણ નકશામાં દર્શાવાયું છે.
- પુલ અને માર્ગો: મહત્ત્વના પુલો અને હાઇવે ઇન્ટરચેન્જનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ધમકી સૂચવે છે કે સંઘર્ષ વધુ વકરે તો ઈરાન માત્ર લશ્કરી સ્થળોને જ નહીં, પરંતુ ઇઝરાયલની પાણી, વીજળી, ઇંધણ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા માળખાંને પણ નિશાન બનાવવાની વાત કરી રહ્યું છે.
અમેરિકાના સંભવિત હુમલાને લઈને પણ ચર્ચા
ઈરાનની આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા અને ઇઝરાયલ તરફથી સંભવિત નવા લશ્કરી હુમલાઓને લઈને તણાવની સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન ઈરાન વિરુદ્ધ મર્યાદિત લશ્કરી કાર્યવાહી ફરી હાથ ધરવાની શક્યતા અંગે નિવેદન આપ્યું હતું. અગાઉના અભિયાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે અમેરિકા ફરી એક નાનું ‘એપિક ફ્યુરી’ અભિયાન ચલાવી શકે છે.
મધ્યસત્ર ચૂંટણી પહેલા હુમલાની શક્યતા નહીવત્ત
જો કે, અમેરિકી વહીવટીતંત્ર તરફથી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવાની યોજના ન હોવાની વાત પણ કહેવામાં આવી છે. વ્હાઇટ હાઉસનાં ઉપપ્રેસ સચિવ અન્ના કેલીએ ‘ડ્રોપ સાઇટ’ને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકા મધ્યસત્ર ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો નહીં કરે. અહેવાલોમાં અમેરિકાનાં હથિયારો પશ્ચિમ એશિયા તરફ મોકલવામાં આવી રહ્યાં હોવાનો પણ ઉલ્લેખ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે બંને દેશો તરફથી આવતાં નિવેદનો અને સંભવિત લશ્કરી કાર્યવાહીને લઈને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.









