વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI-T20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-કોહલીને મળ્યું સ્થાન

વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ઘરેલુ શ્રેણી માટે ભારતીય વન-ડે અને ટી20 ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 વન-ડે અને 5 ટી20 મેચ રમશે. વન-ડે શ્રેણીમાં શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ટી20 શ્રેણીમાં શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાની વાપસી થઈ છે, જ્યારે નમન ધીર અને ઔકિબ નબી જેવા નવા યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીને વન-ડેમાં સ્થાન
રોહિત શર્માએ વર્ષ 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેમના પર ફરી વિશ્વાસ દર્શાવ્યો છે. ઓક્ટોબર 2025માં વન-ડેની કપ્તાની શુભમન ગિલને સોંપાયા બાદ પણ રોહિતે નિવૃત્તિ લીધી નહોતી. કાર્ડિફમાં 26 રન અને તે પહેલાં અફઘાનિસ્તાન સામે 16, 48 અને 79 રન ફટકાર્યા બાદ તેમના ફોર્મ પર ચર્ચા જરૂર થઈ હતી, પરંતુ લોર્ડ્સ ખાતેની છેલ્લી સદી તેમના દમદાર ફોર્મની સાક્ષી પૂરે છે. આ શ્રેણીમાં વિરાટ કોહલીને પણ વન-ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે ટીમ બહાર
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. IPL 2026 પછી તેઓ કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યા નથી. જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામેની શ્રેણી પહેલા પગની ઈજાના કારણે તેઓ બહાર થઈ ગયા હતા અને ફિટનેસના અભાવે તેમને આ શ્રેણીમાં પણ સ્થાન મળ્યું નથી.
ભારતની વન-ડે ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, ઔકિબ નબી, યશસ્વી જયસ્વાલ, નમન ધીર.
ભારતની ટી20 ટીમ : શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.
ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીનું સંપૂર્ણ શિડ્યુલ
પ્રથમ વન-ડે: 27 સપ્ટેમ્બર 2026 (તિરુવનંતપુરમ)
બીજી વન-ડે: 30 સપ્ટેમ્બર 2026 (ગુવાહાટી)
ત્રીજી વન-ડે: 3 ઓક્ટોબર 2026 (ન્યૂ ચંડીગઢ)
પ્રથમ ટી20: 6 ઓક્ટોબર 2026 (લખનૌ)
બીજી ટી20: 9 ઓક્ટોબર 2026 (રાંચી)
ત્રીજી ટી20: 11 ઓક્ટોબર 2026 (ઈન્દોર)
ચોથી ટી20: 14 ઓક્ટોબર 2026 (હૈદરાબાદ)
પાંચમી ટી20: 17 ઓક્ટોબર 2026 (બેંગલુરુ)

