ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમની પોલ ખુલી, માત્ર 113 રનમાં સમેટાઈ ગઈ ઈન્ડિયા Aની પહેલી ઈનિંગ

ન્યુઝીલેન્ડના પ્રવાસ પર રેડ-બોલ ફોર્મેટમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી છે. લિંકનના બર્ટ સુટકવિલ ઓવલ ખાતે રમાઈ રહેલી પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય બેટિંગ લાઈનઅપ સંપૂર્ણપણે પડી ભાંગી હતી. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય બેટિંગની પોલ ખુલી ગઈ છે. ન્યુઝીલેન્ડ Aના બોલર્સે પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને પ્રથમ ઈનિંગમાં મુલાકાતીઓને ફક્ત 113 રનમાં ઓલઆઉટ કરી દીધા. પ્રથમ ઈનિંગમાં પાંચ ભારતીય બેટ્સમેન કોઈ રન બનાવ્યા વિના આઉટ થયા. યશ રાઠોડ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. ન્યુઝીલેન્ડ Aએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
ટોચના ખેલાડીઓનો ફ્લોપ શો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈન્ડિયા Aની શરૂઆત ખરાબ રહી. ઈનિંગ ઓપન કરવા આવેલો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ માત્ર આઠ બોલમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. ચોથા નંબર પર બેટિંગ કરી રહેલો સાઈ સુદર્શન પણ 13 બોલમાં એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો. કેપ્ટન અને વિકેટકીપર ધ્રુવ જુરેલ માત્ર એક રન બનાવી શક્યા. વોશિંગ્ટન સુંદર, મુકેશ ચૌધરી અને આકાશ દીપ પણ શૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓમાં સામેલ હતા. કુલ પાંચ ભારતીય બેટ્સમેન કોઈ રન બનાવ્યા વિના પવેલિયન પરત ફર્યા, જેના કારણે ટીમ સ્વસ્થ ન થઈ શકી. ભારતીય રીમે પહેલા સેશનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી.
ઈન્ડિયા A માટે યશ રાઠોડે સૌથી વધુ રન બનાવ્યા
એક સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ 100થી ઓછા રન સુધી જ સિમિત રહેશે, પરંતુ નીચે આવતા યશ રાઠોડે શાનદાર બેટિંગ કરી. તેણે 49 બોલમાં 44 રનની લડાયક અણનમ ઈનિંગ રમી, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા, જેનાથી ટીમનો સ્કોર 110ને પાર થયો. દેવદત્ત પડિકલે પણ 32 રન બનાવ્યા, જ્યારે યશસ્વી જયસ્વાલે 17 રનનું યોગદાન આપ્યું. ન્યુઝીલેન્ડ A માટે સિમોન કીને સૌથી વધુ પાંચ વિકેટ લીધી, જ્યારે જેક ગિબ્સને ત્રણ વિકેટ લીધી. આ મેચમાં ભારતીય ટીમના બોલર્સ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે.






