મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Ranji Trophy / બેટ અને બોલ સાથે ચમક્યો રવિન્દ્ર જાડેજા, રાહુલ અને જયસ્વાલ ફ્લોપ; જાણો ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓનો રિપોર્ટ કાર્ડ

Ranji Trophy / બેટ અને બોલ સાથે ચમક્યો રવિન્દ્ર જાડેજા, રાહુલ અને જયસ્વાલ ફ્લોપ; જાણો ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓનો રિપોર્ટ કાર્ડ
તસવીર: GSTV

ભારતીય ટેસ્ટ ટીમના 10થી વધુ ખેલાડીઓ રણજી ટ્રોફી 2026-27માં પોતપોતાની સ્થાનિક ટીમો માટે રમી રહ્યા છે. જોકે, પ્રથમ ગ્રુપ મેચમાં ફક્ત થોડા જ ખેલાડીઓએ જ સારું પ્રદર્શન કર્યું છે. ઓપનર કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અગાઉ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને રણજી ટ્રોફી માટે ઉપલબ્ધ રહેવા કહ્યું હતું. જોકે, મોટાભાગના ભારતીય ખેલાડીઓની રણજી ટ્રોફીમાં નિરાશાજનક શરૂઆત રહી હતી.

ભારત આવતા મહિને ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ રમવાનું છે, જેના કારણે રાહુલ, જયસ્વાલ અને જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે.

પ્રથમ મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન

કેએલ રાહુલ - ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રાહુલનું પ્રદર્શન નબળું રહ્યું. કર્ણાટક માટે રમતા તે બંને ઈનિંગમાં સસ્તામાં આઉટ થયો હતો. એલીટ ગ્રુપ બી મેચમાં આંધ્રપ્રદેશ સામેની બંને ઈનિંગ્સમાં તે ફક્ત પાંચ રન બનાવી શક્યો.

યશસ્વી જયસ્વાલ - ડાબોડી ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ મુંબઈ વતી રમતી વખતે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. જોકે, મુંબઈએ એલીટ ગ્રુપ D મેચમાં ચંદીગઢને ઈનિંગ અને 155 રનથી હરાવ્યું.

રવિન્દ્ર જાડેજા - ટીમ ઈન્ડિયાના અનુભવી ઓલરાઉન્ડરે પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. છત્તીસગઢ સામે રાજકોટમાં સૌરાષ્ટ્ર વતી રમતા તેણે 102 રન બનાવ્યા. તેણે પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટ પણ લીધી.

સાઈ સુદર્શન - ભારતીય ટીમના નંબર ત્રણના બેટ્સમેન સાઈ સુદર્શનની રાજસ્થાન સામેની પ્રથમ મેચ નિરાશાજનક રહી. તમિલનાડુ માટે એલીટ ગ્રુપ D મેચની પ્રથમ ઈનિંગમાં તે ફક્ત ત્રણ રન બનાવી શક્યો.

મોહમ્મદ સિરાજ - ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની કેપ્ટનશિપ હેઠળ હૈદરાબાદે એલીટ ગ્રુપ B મેચમાં ત્રિપુરા સામે શાનદાર જીત નોંધાવી. જોકે, તેનું પ્રદર્શન ઓછું પ્રભાવશાળી રહ્યું. સિરાજ પ્રથમ ઈનિંગમાં કોઈ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો. તેણે બીજી ઈનિંગમાં બે વિકેટ લીધી.

ગુરનુર બરાર - પંજાબ તરફથી રમતા ફાસ્ટ બોલર ગુરનુર બરાર પણ નિષ્ફળ રહ્યો. તેણે આસામ સામે ન્યૂ ચંદીગઢ મેદાન પર 85 રન આપીને બે વિકેટ લીધી.

માનવ સુથાર - લેફ્ટ આર્મ સ્પિન બોલર માનવ સુથાર તમિલનાડુ સામેની પહેલી ઈનિંગમાં એક પણ વિકેટ નહતો લઈ શક્યો. સુથાર રાજસ્થાન ટીમની કમાન સંભાળી રહ્યો છે. તેણે બેટથી 17 રન બનાવ્યા હતા.

વોશિંગ્ટન સુંદર - રાઈટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન સારું રહ્યું. સુંદરે પહેલી ઈનિંગમાં તમિલનાડુ માટે બે વિકેટ લીધી અને બેટથી 26 રન બનાવી અણનમ રહ્યો.

આકાશ દીપ - ફાસ્ટ બોલર આકાશ દીપ દિલ્હી સામેની એલીટ ગ્રુપ C મેચમાં કંઈ ખાસ ન કરી શક્યો. તેણે ફક્ત બે વિકેટ જ મેળવી, જ્યારે મોહમ્મદ શમીએ ચાર વિકેટ લીધી હતી.

સારાંશ જૈન - રાઈટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. મધ્યપ્રદેશ માટે તે બેટથી ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો. વધુમાં જમ્મુ અને કાશ્મીર સામે તેનું બોલિંગ પ્રદર્શન પણ નબળું રહ્યું.

સરફરાઝ ખાન - શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સાઈ સુદર્શનની જગ્યાએ સામેલ થયેલા સરફરાઝ ખાનનું પ્રદર્શન ખરાબ રહ્યું. તે ચંદીગઢ સામે મુંબઈની પહેલી મેચમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.

આકિબ નબી - ગત રણજી ટ્રોફી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર આકિબ નબી જમ્મુ અને કાશ્મીર માટે પ્રથમ મેચમાં કંઈ ખાસ ન કરી શ્યો. તેણે મધ્યપ્રદેશ સામેની પહેલી ઈનિંગમાં માત્ર એક વિકેટ લીધી હતી, જ્યારે તેણે બીજી ઇનિંગમાં બે વિકેટ લીધી હતી.

આ સમાચાર શેર કરો