'પાંચ વર્ષ રમ્યા પછી અચાનક...', સૂર્યકુમાર યાદવે ફરી વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કમબેક પર પણ આપ્યું નિવેદન

ભૂતપૂર્વ ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી તેની પસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી અને તેને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાની પીડા ફરી એકવાર સામે આવી છે.
સૂર્યકુમાર યાદવે નાગપુરમાં કહ્યું કે ભલે તે લાંબા સમય સુધી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો હતો, પરંતુ તેની બેટિંગ પર કોઈ અસર નથી થઈ. તેણે કહ્યું કે ઘરેલુ ક્રિકેટમાં રન બનાવ્યા પછી તે ભારતીય ટીમમાં પાછા ફરવાની આશા રાખે છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 5 ઈનિંગ્સમાં સૂર્યકુમાર યાદવે 230ના સ્ટ્રાઇક રેટથી 204 રન બનાવ્યા છે.
હું છેલ્લા પાંચ વર્ષથી આ રીતે રમી રહ્યો છું: સૂર્યકુમાર
સૂર્યકુમાર યાદવે કહ્યું, "મને નથી લાગતું કે મારી બેટિંગમાં કોઈ ખામી હતી. હું છેલ્લા પાંચ વર્ષથી આ રીતે રમી રહ્યો છું, મને દરેક જગ્યાએ બેટિંગનો આનંદ આવ્યો છે, પછી ભલે તે ભારત માટે હોય કે મારી ઘરઆંગણાની ટીમ મુંબઈ માટે." તેણે કહ્યું કે તેણે પોતાની બેટિંગ સ્ટાઇલ નથી બદલી અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેની રમત પર સખત મહેનત કરી છે. તેણે કહ્યું, "હું હજુ પણ એ જ કરી રહ્યો છું. મને લાગે છે કે તેમાં ઘણી બેટિંગ પ્રેક્ટિસનો સમાવેશ થાય છે. મેં છેલ્લા 8-10 અઠવાડિયામાં તે કર્યું છે અને તેના પરિણામો મેદાન પર દેખાઈ રહ્યા છે."
પાંચ વર્ષ રમ્યા પછી અચાનક ટીમમાંથી બહાર થવું ખરાબ લાગે છે: સૂર્યકુમાર
સૂર્યકુમાર યાદવે કહ્યું કે ભારતીય ટીમમાંથી બહાર રહેવું તેના માટે સરળ નહતું, તે ખૂબ જ પીડાદાયક છે. તેણે કહ્યું, "ભારતીય ટીમથી દૂર રહેવું દુઃખદ છે. તમે પાંચ વર્ષ સતત રમો છો અને પછી અચાનક ભારત માટે ન રમવું ખરાબ લાગે છે, પરંતુ તે રમતની રીત છે."
ભારતીય ટીમમાં પાછા ફરવા વિશે સૂર્યાએ શું કહ્યું?
ભારતના ભૂતપૂર્વ T20 કેપ્ટને કહ્યું કે તેણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેની બેટિંગ સ્ટાઇલ બદલી નથી અને તેની રમત પર સખત મહેનત કરી છે. સૂર્યકુમાર યાદવે કહ્યું, "દરેક અંધારાવાળી સુરંગના અંતે હંમેશા પ્રકાશ હોય છે. તમે જેટલી મહેનત કરશો, તેટલું જ નસીબ તમને સાથ આપશે. શો ચાલુ જ રહેશે. અત્યારે મારી પહેલી પ્રાથમિકતા મુંબઈ માટે સારું પ્રદર્શન કરવાની છે." ઘરેલુ ક્રિકેટમાં મજબૂત પ્રદર્શન તેને ભારતીય ટીમમાં પાછા ફરવાની તક આપી શકે છે.








