મંચ પર ટીમલી નૃત્ય અને મા મહીસાગરનો જયકાર! 37મી અખિલ ગુજરાત એકાંકી નાટ્યસ્પર્ધાના સેમિફાઈનલ રાઉન્ડના બીજા દિવસે આ 7 નાટકો ભજવાયા
કલાસ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા 37મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી ન

કલાસ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા 37મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટક સ્પર્ધાની સેમિ ફાઇનલનું 21થી 26 જાન્યુઆરી સુધી ભવન્સ કોલેજનાં ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજા દિવસે કોલેજ કેટેગરીના સાત નાટકો ભજવાયા હતા, જેમાં ભેદરેખા, મૃત્યુ એક અભિનેતાનું, અગ્નિશિખા, ટીમલી, ચાલો રમીએ ગાંધી ગાંધી, ઈટ હેપન્સ ઓન્લી ઈન ઇન્ડિયા અને ફટકડી નાટકોનો સમાવેશ થાય છે. આ નાટકોના વિષયોમાં વર્ણવ્યવસ્થા, અંધશ્રદ્ધા, સર્વધર્મ સમભાવ, રાજનૈતિક વલણો, ગ્રામીણ આદિવાસી સંસ્કૃતિ, સામાજીક મુદ્દાઓ, ભ્રષ્ટાચાર અને કલાકારની જીવનશૈલી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નાટક: ભેદરેખા, કોલેજ: એલ.જે. આઈ.એમ.બી.એ વિભાગ
- કલાકારો : પ્રજાપતિ દેવાંગ, મહેતા દિવ્ય, તળાવીયા આયુષ, જોબનપુત્રા ઉમંગ, પટેલ વેન્સી, પટેલ વિશ્વા, શાહ પૂર્વમ, આમલશેડા આર્યન, ઠક્કર વૈદેહી, ગોહિલ ધ્રુવીશા, ખંભાયતા સુહાની, ભટ્ટી પ્રેમ, સૈયદ સૈફુદ્દીન
- લેખક/ડિરેક્ટર : નયન ભીલ
આ થ્રીલર કોમેડી નાટકમાં રાજનિતિ વિષયક બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓથી અસંતુષ્ટ પાંચ લોકોની ટીમ સરકારી અધિકારીની પુત્રીનું અપહરણ કરવાનું નક્કી કરે છે પરંતુ ભુલથી મુખ્યમંત્રીની પુત્રીનું અપહરણ કરી લે છે. તે પુત્રી અપહરણકર્તા અને તેના પિતાને મારી પોતે મુખ્યમંત્રી બને છે. આ નાટક રાજકારણીઓની કોઈપણ સ્થિતિના ભોગે સત્તા પામવાની ભૂખને દર્શાવે છે. આ નાટકનો ડાયલૉગ “સરકાર ચલાવું છું..., લાગણીઓને ગળી જવું મારા લોહીમાં છે” રાજકારણીઓનું ખોખલાપણું દર્શાવે છે.
નાટક: મૃત્યુ - એક અભિનેતાનું, કોલેજ: ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
- કલાકારો: સેમ પ્રજાપતિ, જયસિંહ ચૌહાણ, જલશ્રી અંજારીયા, નિયતિ મકવાણા, ઓમ શર્મા, ધ્રુવ અખાણી, સુહાસ પ્રજાપતિ, સુરેશ ભરવાડ, સલોની શર્મા, હિરેન સાંકળીયા, મનસ્વી વ્યાસ, યક્ષ અમીન, રોહદાન ગઢવી, પાર્થ રાવલ, ઓમ બારોટ, રોહદાન ગઢવી
- લેખક: મહેશ એલ. કુંચવારની કૃતિમાંથી અનુવાદિત
- ડિરેક્ટર : કશ્યપ પાઠક
આ નાટકમાં એક એકટરના જન્મથી મૃત્યુ સુધીની યાત્રા વર્ણવામાં આવી છે. એક્ટિંગ જગતના સારા અને ખરાબ પાસાઓનું ચિત્રણ આ નાટકમાં આબેહુબ કરવામાં આવ્યું છે. નવા પાત્રનું આગમન અને કાયા પરિવેશમાં મૂળ વ્યક્તિનું કશું અસ્તિત્વ હોતું નથી. આ નાટક લાઇફની ફિલોસૂફી રજૂ કરે છે, જેનો ડાયલૉગ “એકટર ક્યારે પોતાના શબ્દો વાપરે છે એ તો સદાયે અન્ય પર નિર્ભર હોય છે” તે એક્ટરની શૂન્યતા દર્શાવે છે પરંતુ એક્ટર અને ઓડિયન્સની આત્મા એક થાય છે ત્યારે એક્ટરની સુંદરતા અને નાયક તરીકેની ભૂમિકા વર્તાય છે.
નાટક: અગ્નિશિખા, કોલેજ: નાલંદા લૉ કોલેજ અને નાલંદા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
- કલાકારો: ઘાંચી સમીમ, મેસરીયા જાગૃતિ, ગઢવી રાજ, ધોળું દિયા, ઠાકોર અજીત, પટેલ રોશન
- લેખક : ઇકબાલ મુનશી
- ડિરેક્ટરઃ શંકર ગુમાને
આ નાટકમાં કેન્દ્ર સ્થાને ધર્મ હોય છે, જેમાં વૈદિક પરંપરા મુજબ ચાર વર્ગોમાં સમાજને વહેંચવામાં આવે છે. આ અગ્નિશિખા નાટકમાં બ્રાહ્મણ સિવાય અન્ય વર્ગોને ધર્મ પાળવાનો અને પૂજા કરવાનો અધિકાર હોતો નથી તેથી શુદ્રો અને ક્ષત્રીયો આ વ્યવસ્થા સામે પડકાર ફેંકે છે. રાજા બોદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપે છે અને લોકો પોતાનો ધર્મ છોડી બોદ્ધ ધર્મનો અંગિકાર કરે છે ત્યારે બ્રાહ્મણ પોતાનો મત રજૂ કરે છે કે પોતે પણ આ વ્યવસ્થાથી પિડીત છે તેને પણ સમરસ્તા વ્હાલી છે. નાટકના અંતે બ્રાહ્મણ પોતાની શિખાને આગ ચાંપી પોતાના ભાગનું ધર્મનું કર્તવ્ય પૂર્ણ કરે છે.
નાટક: ટીમલી, કોલેજ : પર્ફોમિંગ ઓફ આર્ટસ કોલેજ, જીએલએસ
- કલાકારો : શ્રીલક્ષ્મી, ફેની, અખિલ, સંજના, રાજવીર, ટીશા, દિવ્યાંગ, આધ્યા, પિયા, રિશી, રિધમ, શ્લોક, હર્ષ, કુશ, દીપ, ધ્રુવ, હુનર, શ્લોક પંચોલી, હર્ષિલ, ભાવિકા, કાજલ, બ્રિદા
- ડિરેક્ટર-લેખકઃ પ્રંશાત તરુણ જાદવ
'ટીમલી' નાટકમાં મહિસાગર જિલ્લાના એક ગામની વાત કરવામાં આવી છે. તે ગામમાં એક છોકરીનો જન્મ થાય છે ત્યારે તેનાં માતાપિતાનું અવસાન થાય છે અને તેનાં લગ્ન સમયે તેનાં પતિનું મૃત્યુ થાય છે. તેથી ગામનાં લોકો તેને અપશુકેનિયાળ માની ગામની બહાર કાઢી દે છે. તે સ્મશાનમાં જઈને રહેવા લાગે છે, તેનાં કારણે લોકો તેને ડાકણ માનવા લાગે છે. ત્યાં તે ગામની એક છોકરી નાનકી અને આ ટીમલી વચ્ચે મા-દિકરીનો સંબંધ બંધાય છે. વાર્તાનાં અંતે નાનકી ટીમલી માટે આખા ગામની સામે લડે છે. આ ટીમલીને ગામના લોકો ઘણાં માન સમ્માનથી આવકારે છે. આ વાર્તામાં બધા જ પાત્રો, ગામડાનું જીવન અને તેમની વિચારધારા, તેમજ વાસ્તવિકતાનું ચિત્રણ ઘણુ સુંદર રીતે રજૂ કરે છે. આ નાટકમાં ટીમલીનું મુખ્ય પાત્ર ભજવનાર શ્રીલક્ષ્મી મૂળ સાઉથ ઇન્ડિયન હોવા છતાં ફક્ત ચાર દિવસમાં સંપૂર્ણ આદિવાસી બોલી શીખીને પર્ફોમ કર્યું હતું.
નાટક: ચાલો રમીએ ગાંધી ગાંધી, કોલેજ : એલ.જે. યુનિવર્સિટી
- કલાકારો: રોહમ પ્રજાપતિ, ઓમ વ્યાસ, રુદ્ર પુરોહિત, મહેંદી પઠાન, સિદ્ધાર્થ શર્મા, ધ્રુવ પ્રજાપતિ, મીત અંટાલા, જ્યોતિ દુબે, સ્તુતિ પંડિત, ભવ્યાન માંકડ, હેમંત પરીખ, અનુરાગ પંચાલ, હિર્વા વ્યાસ, મહેક બોદર, રાહુલ કુમાર, દિયા શર્મા, હર્ષ રાવલ, કાવ્ય શાહ, સ્તુતિ શાહ, ધ્રુવી શ્રીમાળી
- ડિરેક્ટર-લેખક-લાઇટ્સ : શંકર ગુમાને
આઝાદી મળ્યા પછીની પરિસ્થિતિ શું થઇ ગઈ છે તે આ નાટક દ્વારા સમજાવવામાં આવી છે. ગાંધીજી હમણાંના આ આધુનિક યુગ અને તેમાં વસતા લોકોને જુએ છે અને દુઃખી થાય છે કે લોકો હવે ફક્ત સ્વાર્થ અને ભ્રષ્ટાચારમાં ખોવાયેલા છે. દેશને આઝાદી અપાવનારા ક્રાંતિવીરો, દેશભક્તો અને ગાંધીજીને તેમનાં જન્મદિવસ અને પુણ્યતિથિ પર જ યાદ કરી દેશમાં ભ્રસ્ટાચાર અને સર્વધર્મ સમભાવની પ્રતિજ્ઞા કરે છે. જે દેશની કલ્પના ગાંધીજી એ કરી હતી તેનાથી તદ્દન અલગ દેશ તેઓ જોઈને દુઃખી થઇ રહ્યા છે. ‘તેમનાં નામે વોટ મળે પણ નોટ ન મળે’ તેવી વાસ્તવિકતાથી પરિચય કરાવતું આ નાટક છે.
નાટક: ઈટ હેપન્સ ઓન્લી ઈન ઈન્ડિયા, કોલેજ: એચ.એલ.કૉલેજ ઓફ કોમર્સ
- કલાકારો : મલ્હાર ગઢવી, હયા દેસાઈ, અક્ષર વિસાણી, મીત પટેલ, હાર્મી ભરોડિયા, મોહિત રાજપુરોહિત, પાર્થ શર્મા, અંકિત અંદાની, પ્રિન્સી કંસારા
- ડિરેક્ટર : તન્મય તિમિર
- લેખક : પ્રશાંત તરુણ જાદવ
આ નાટક સત્ય ઘટના પર આધારિત છે, જેને કોમેડી અને પોલિટિકલ સટાયર રૂપે પ્રેક્ષકો સામે રજૂ કરવામાં આવ્યું હતું. “આપણી સિસ્ટમ છે, સવાલ છે પણ કોઈ જવાબ નથી” ડાયલોગથી પ્રેક્ષકોને વાસ્તવિકતાથી ભાન કરાવે છે. દેશમાં ન્યાયતંત્ર કે જે લોકોને ન્યાય આપવા માટે બનેલ છે તેમાં ઉચ્ચ લોકો પૈસા આપીને બચી જાય છે, જયારે નિર્દોષ માણસને ખરાબ રીતે હેરાન કરવામાં આવે છે. નિર્દોષ વ્યક્તિને બે દિવસ સુધી જેલમાં રાખી અંતે તેને નિર્દોષ સાબિત કરીને છોડી દેવામાં આવે છે. તે જ્યારે ઘરે આવે છે ત્યારે તેની માતાનું શબ જોઈને કરુણ રુદન કરે છે. આ આખી વાર્તાનાં અંતે આ સરકારનાં તંત્રનાં કારણે સામાન્ય વ્યક્તિને કેટલી હેરાનગતિ થાય છે તે સમજાય છે.
નાટક: ફટકડી, કોલેજ : મોનાર્ક યુનિવર્સિટી
- કલાકારો : પ્રેમ કડેરે, રુદ્રરાજ રાઠોડ, હાર્દિક ઠાકોર, જયુન વ્યાસ, હેરી પ્રજાપતિ, ધ્રુવી ભાવસાર, ઉર્વીશ સોલંકી, ધવલ હાડા, બિંદા રૂપાવટીયા, હસ્તી કોરાટ, વંશ પટેલ, કિર્તન ચંદારાણા દર્શીની સાધુ, સુમિતા બિસ્વાલ ડિરેક્ટર-લેખક: પૂજા ત્રિવેદી
- વાર્તા સંગ્રહ - બીજો છેડો, નિલેશ મુરાણી
સામાજીક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નાટક બનાવવામાં આવ્યું છે. આ નાટકમાં અનંતભાઈ પોતે અસામાજીક કાર્ય કર્યા પછી ઈમાનદારીથી કમાવવા માટે ટી સ્ટોલનો નવો ધંધો શરૂ કરે છે, ત્યારે સાત વર્ષથી ટી સ્ટોલનું કામ કરતો માલિક ગુલાબ શેઠ તેની સામે ઓપન થયેલ ટી સ્ટોલનાં કારણે ઘણો પરેશાન થાય છે. પોતાનો ધંધો બચાવવા માટે તે સામેવાળા અનંતભાઈ ટી સ્ટોલ પર જઈ ચામાં ફટકડી નાખી દે છે. રોજિંદા જીવનમાં ચાલતી વિવિધ સમસ્યાને ધ્યાનમાં રાખીને નિલેશ મુરાણીનાં વાર્તા સંગ્રહ ‘બીજો છેડો’માંથી પૂજા ત્રિવેદીએ નાટકમાં રૂપાંતરણ કર્યું છે. આ નાટકનો મર્મ “જે લડે, ઝઝૂમે તે જીતે છે બાકી લોકો હારે છે” તે હતો.






