શું મમતા બેનરજીને INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ સોપવામાં આવશે? પવાર-લાલુ યાદવ સહિતના નેતાઓએ કર્યું સમર્થન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના એક નિવેદને INDIA ગઠબંધનમાં રાજકીય ગરમાવો લાવી દ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના એક નિવેદને INDIA ગઠબંધનમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.તૃણમૂલ કોંગ્રેસે (TMC) વ્યવસ્થિત રીતે ઇન્ડિયા ગઠબંધનની નેતાગીરી માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ ફરતું કર્યું છે. TMCના નેતાઓ મમતાને ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્ત્વ આપવા એક પછી એક નિવેદન આપી રહ્યાં છે. બીજી તરફ INDIA ગઠબંધનની સહયોગી પાર્ટી પણ મમતા બેનરજીના સમર્થનમાં આવ્યા છે.
મમતા બેનરજી INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ કરવામાં સૌથી વધુ લાયક
TMCના સાંસદ કીર્તિ આઝાદે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના નેતા માટે મમતા બેનરજી સૌથી વધુ લાયક છે. જો ભાજપને માત આપવી હશે તો મમતા બેનરજીને ઇન્ડિયા ગઠબંધનની કમાન સોંપવા સિવાય છૂટકો નથી.
શરદ પવાર પછી લાલુ યાદવે કર્યું સમર્થન
RJD નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, "પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને INDIA ગઠબંધનના નેતા ચૂંટવા જોઇએ. લાલુ પ્રસાદે કહ્યું કે કોંગ્રેસના વિરોધનો કોઇ અર્થ નથી. મમતા બેનરજીને જ નેતા બનાવવા જોઇએ. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે ભાર આપીને કહ્યું કે બિહારમાં આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી સત્તામાં આવશે.
આ પહેલા શરદ પવારે પણ મમતા બેનરજીનું સમર્થન કર્યું હતું. શરદ પવારે કહ્યું, "હા, ચોક્કસપણે તેઓ ગઠબંધનનું નેતૃત્વ કરવા સક્ષમ છે.મમતા આ દેશના મુખ્ય નેતા છે તેમની પાસે તે ક્ષમતા છે.સંસદમાં તેમના દ્વારા ચૂંટાયેલા નેતાઓ જવાબદાર, કર્તવ્યનિષ્ઠ અને જાગૃત લોકો છે, માટે તેમને આવું કહેવાનો અધિકાર છે."
તેજસ્વી યાદવે પણ કર્યું હતું સમર્થન
તેજસ્વી યાદવે કોલકાતામાં કહ્યું હતું કે અમને મમતા બેનરજીનું નેતૃત્ત્વ કરવામાં કોઇ સમસ્યા નથી પરંતુ આ ધ્યાનમાં રાખતા કે ભાજપ વિરોધી ગઠબંધનમાં કેટલાક સીનિયર રાજનેતા છે. એક સાથે બેસીને નેતા પસંદ કરવા પર સામહિક નિર્ણય લેવાની જરૂર છે.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું?
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધનની કોઇ બેઠક મળી નથી, માટે નેતૃત્ત્વ પરિવર્તનનો સવાલ જ નથી ઉભો થતો. બેઠક થવા દો અને મમતા બેનરજી ઇચ્છે તો નેતૃત્ત્વનો દાવો કરી શકે છે. આ દરમિયાન ત્યાં ચર્ચા થઇ શકે છે.
સુપ્રિયા સુલેએ શું કહ્યું?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું, 'પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ઇન્ડિયા ગઠબંધનનો અભિન્ન અંગ છે. એક જીવંત લોકશાહીમાં વિપક્ષની મોટી ભૂમિકા અને જવાબદારી હોય છે, માટે જો તે વિપક્ષી ગઠબંધનની અંદર વધારે જવાબદારી લેવા માંગે છે તો તેમને ખુશી થશે.'
સંજય રાઉતે શું કહ્યું હતું?
શિવસેના UBTના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમને મમતા બેનરજીનો વિચાર ખબર છે. અમે ઇચ્છીએ છીએ કે મમતા અમારી સાથે રહે, અમે બધા એક સાથે છીએ. જો કોઇ મતભેદ પણ છે તો તે નાના-મોટા છે. અમે કોલકાતા જઇને મમતા બેનરજી સાથે વાત કરીશું. આ પહેલા સપાએ પણ મમતા બેનરજીના નામ પર સહમતિ વ્યક્ત કરી હતી.
સીનિયર લીડરશિપ નિર્ણય લેશે- પ્રિયંકા ચતુર્વેદી
આ પહેલા શિવસેના (ઉદ્ધવ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું, "સારૂં છે તેમને પોતાની વાત મુકી છે કારણ કે તેમને પશ્ચિમ બંગાળમાંથી ભાજપને દૂર રાખવાનું સફળ મોડલ રાખ્યું છે અને કલ્યાણકારી યોજના લાગુ કરી છે. ક્યાંક ને ક્યાંક તે પોતાના ચૂંટણી અનુભવ અને લડાઈની ભાવનાને કારણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે. ભારત ગઠબંધનની બેઠકમાં ચર્ચા થશે, સીનિયર લીડરશિપ નિર્ણય લેશે."
આ પણ વાંચો: જગદીપ ધનખડ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, AAP-સપા અને TMCએ કર્યું સમર્થન
મમતા બેનરજીએ INDIA ગઠબંધનની કાર્યશૈલી પર ઉઠાવ્યા હતા સવાલ
મહત્ત્વપૂર્ણ છે કે મમતા બેનરજીએ INDIA ગઠબંધનની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો વર્તમાન નેતૃત્ત્વ તેને અસરકારક રીતે ચલાવી ના શકે તો તે આ જવાબદારી નિભાવવા તૈયાર છે. બધાને સાથે લઇને ચાલવું પડશે પરંતુ મમતાએ એમ પણ કહ્યું કે તે બંગાળની બહાર જવા માંગતા નથી.જોકે, જરૂર પડશે તો ગઠબંધનનું સંચાલન કરવા તૈયાર છે. આ પહેલા TMCના નેતા કલ્યાણ બેનરજીએ પણ કોંગ્રેસ સહિત INDIA ગઠબંધનના ઘટક પક્ષોને મમતા બેનરજીને સ્વાભાવિક નેતા સ્વીકાર કરવાનું આહવાન પણ કર્યું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારના સંકેત, તમામ રાજ્યોની સમિતિઓ થઈ શકે છે ભંગ
મમતા બેનરજીના દબાણમાં નહીં આવે કોંગ્રેસ
મમતા બેનરજીના INDIA ગઠબંધનમાં બદલાવના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જોકે, કોંગ્રેસ મમતા બેનરજીના દબાણમાં નહીં આવે. સૂત્રો અનુસાર કોંગ્રેસ નેતૃત્ત્વએ નક્કી કર્યું છે કે કોઇના દબાણમાં આવવાનું નથી. કોઇના વિરૂદ્ધ નિવેદન પણ નથી આપવાના, બાકી પક્ષ ભલે ઉકસાવતા રહે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે તો નેતૃત્ત્વ બીજા કોઇને કેવી રીતે? INDIA ગઠબંધનનો પ્રમુખ કોંગ્રેસ જ છે. સંયોજક પદ કોઇને પણ આપવામાં આવી શકે છે પરંતુ તેને લઇને હજુ કોઇ ઉતાવળ નથી.
કોંગ્રેસ નેતૃત્ત્વનું કહેવું છે કે દોઢ વર્ષ જે રાજ્યમાં ચૂંટણી છે ત્યાં કોંગ્રેસનું INDIA ગઠબંધન સાથે કોઇ લેવા દેવા નથી. બિહારમાં RJD સાથે ગઠબંધન INDIA ગઠબંધનનું પહેલાથી જ છે. લોકસભા ચૂંટણી માટે વિધાનસભામાં રાજ્યવાર સમજૂતિ કરવામાં આવશે.








