20 વર્ષ બાદ રિલાયન્સ ગ્રૂપ લાવ્યું સૌથી મોટો આઈપીઓ! આકાશ અંબાણીની ઐતિહાસિક જાહેરાત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવા કંપની જિયો પ્લેટફોર્મ્સના મેગા IPOને લઈને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ (Reliance Jio Infocomm Ltd)ના ચેરમેન અને એપ્રિલ 2026થી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms Ltd)ના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જાહેરાત કરી છે કે, આ IPO પછી કંપની સંપૂર્ણપણે દેવામુક્ત થઈ જશે. આ પ્રેસ કોન્ફરન્સમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વડા ઈશા અંબાણી અને કોટક મહિન્દ્રાના ચેરમેન ઉદય કોટક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
IPO બાદ કંપની સંપૂર્ણ દેવામુક્ત બનશે : આકાશ અંબાણી
આકાશ અંબાણીએ જણાવ્યું કે, આ IPO લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીના દેવાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને બિઝનેસનો વ્યાપ વધારવાનો છે. આજે જિયોની ટેક્નોલોજી અત્યંત હાઈટેક બની ચૂકી છે અને હવે તે માત્ર વિકાસશીલ દેશો પૂરતી સીમિત ન રહેતાં વિકસિત દેશોને પણ પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવશે. આ સાથે તેમણે 6G સેવા અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2030 સુધીમાં 6G સર્વિસ શરૂ કરી દેવામાં આવશે.
‘જિયો દરેક વેપાર સુધી સસ્તી ડિજિટલ સેવા પહોંચાડશે’
આકાશ અંબાણીએ આગળ જણાવ્યું કે કંપનીનું લક્ષ્ય દેશના દરેક નાગરિક અને દરેક ઘર સુધી જિયોની સેવાઓ પહોંચાડવાનું છે. જિયોના માધ્યમથી દરેક નાના-મોટા વેપાર સુધી સરળ અને સસ્તી ડિજિટલ સેવાઓ પહોંચાડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવામાં રિલાયન્સ મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ ભારતને એક સક્ષમ ડિજિટલ સોસાયટી તરીકે સ્થાપિત કરવાની દિશામાં સતત કામ કરશે.
બિઝનેસ અને આર્થિક સૂઝબૂઝ અમારા DNAમાં છે: ઈશા અંબાણી
IPOની ઔપચારિક જાહેરાત પહેલાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વડા ઈશા અંબાણીએ જણાવ્યું કે, નાણાકીય સમજદારી અને બિઝનેસ અમારા DNAમાં છે. એક સમયે પશ્ચિમી દેશો જેવી કનેક્ટિવિટી આપણા દેશ પાસે નહોતી. તે સમયે આકાશ અંબાણીનું માનવું હતું કે, દરેક નાગરિકને જોડી શકે તેવું ડિજિટલ ટેક્નોલોજી પ્લેટફોર્મ ઊભું કરવું એ જ આનો સાચો ઉકેલ છે. આ વિઝન સાથે વર્ષ 2016માં જિયો લોન્ચ થયું હતું અને આજે 2026માં આપણે સૌ તેની સફળતા જોઈ રહ્યા છીએ.
રિલાયન્સની બિઝનેસ ફિલોસોફી અને દાયકાઓનું આયોજન
ઈશા અંબાણીએ રિલાયન્સની બિઝનેસ ફિલોસૉફી અંગે સ્પષ્ટ જણાવ્યું કે, આકાશના વિચારો પાછળ હંમેશાં એક ખૂબ જ લાંબા ગાળાનું વિઝન રહેલું હોય છે. રિલાયન્સમાં અમે ફક્ત આજ કે કાલ માટે આયોજન નથી કરતા, પરંતુ આવનારા દાયકાઓને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડીએ છીએ. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવાની આ વિચારસરણીએ જ અમારા સમગ્ર કારોબારને એક નવી ઊંચાઈ અને નવો આયામ આપ્યો છે.
માર્કેટ કેપમાં રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની: ઉદય કોટક
પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત કોટક મહિન્દ્રાના ચેરમેન ઉદય કોટકે જણાવ્યું કે, માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ રિલાયન્સ આજે ભારતની સૌથી મોટી કંપની છે. છેલ્લા લગભગ 20 વર્ષથી દેશમાં પોતાના કારોબારનો વ્યાપ વધારનારા રિલાયન્સ ગ્રૂપનો આ પ્રથમ IPO છે. તેમણે રિલાયન્સની નવી પેઢીના નેતૃત્વની મુક્ત મને પ્રશંસા કરતા કહ્યું કે, આકાશ અંબાણી અને ઈશા અંબાણી બંને પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને એક પિતા તરીકે મુકેશ અંબાણી માટે તેમને આગળ વધતા જોવા તે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.
‘દેશમાં 100 કરોડથી વધુ ડેટા યુઝર્સ’
ઉદય કોટકે વધુમાં ઉમેર્યું કે, રિલાયન્સની પહેલ અને સતત પ્રયાસોનું જ પરિણામ છે કે આજે ભારતમાં 100 કરોડથી વધુ 4G અને 5G ડેટા યુઝર્સ ઉપલબ્ધ છે. છેલ્લા 10 વર્ષના સમયગાળામાં રિલાયન્સ જિયોએ સમગ્ર ભારતના ડિજિટલ માર્કેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે અને દેશમાં ઐતિહાસિક ડિજિટલ ક્રાંતિ સર્જી છે.








