મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"દેશ કોઈ એક પરિવારની ખાનગી જાગીર નથી": પ્રશાંત ભૂષણના નિવેદન પર સંબિત પાત્રાનો રાહુલ ગાંધી અને વિપક્ષ પર આકરો હુમલો

દિલ્હી ખાતે ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના નિવેદનને ટાંકીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ સમગ્ર વિપક્ષ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. પ્રશાંત ભૂષણે આ લડાઈને 'સત્તા પરિવર્તન' માટેની ગણાવ્યા બાદ સંબિત પાત્રાએ પલટવાર કરતાં કહ્યું કે, "આ દેશ કોઈની અંગત મિલકત કે કોઈ એક પરિવારની જાગીર નથી, પરંતુ ૧૪૦ કરોડ દેશવાસીઓનો છે."

સંબિત પાત્રાએ જણાવ્યું કે, વિપક્ષના આ નિવેદને સાબિત કરી દીધું છે કે રાહુલ ગાંધી અને તેમની ટોળકીનો અસલ હેતુ SIR કે બાળકોના ભવિષ્યની ચિંતા કરવાનો નથી, પરંતુ ગમે તે ભોગે સત્તા પલટો કરવાનો છે. જનતા વારંવાર ચૂંટણીમાં નકારી રહી હોવાથી તેઓ મહેનત કે લોકશાહી ઢબે ચૂંટણી જીત્યા વિના સીધી સત્તા હડપવા માગે છે. આપણા બંધારણમાં સરકાર બદલવા માટે દર પાંચ વર્ષે ચૂંટણીની સ્પષ્ટ પ્રક્રિયા નિર્ધારિત છે, પરંતુ આ લોકો લોકશાહીમાં નહીં પણ અરાજકતા અને અંધાધૂંધી (કેઓસ)માં વિશ્વાસ ધરાવે છે, જે પ્રશાંત ભૂષણે તેમની પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લેઆમ સ્વીકારી લીધું છે.

તેમણે કટાક્ષ કરતા વધુમાં ઉમેર્યું હતું કે, "જેઓ પોતાના પક્ષનો નેતા પણ બદલી શકતા નથી, તેઓ દેશમાં સત્તા પરિવર્તન કરવા નીકળ્યા છે! જ્યારથી રાહુલ ગાંધી નેતા બન્યા છે ત્યારથી તેઓ એકપણ ચૂંટણી જીતી શક્યા નથી; ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ સુધી કોંગ્રેસ વર્ષોથી સત્તા બહાર છે. પોતાનો નેતા બદલવાની જેમની તાકાત નથી એ દેશનું નેતૃત્વ બદલવાના સપનાં જોઈ રહ્યા છે." સંબિત પાત્રાએ ગાંધી પરિવાર પર દેશવિરોધી એજન્ડા ચલાવવાનો અને વિદેશી તાકાતોના હાથમાં વેચાઈ જવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો.

આ સમાચાર શેર કરો