વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી ફોર્મ ભર્યું, ખડગે સહિતના નેતા હાજર રહ્યાં
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવા માટે આજે અંતિમ દિવસ છે.એવામાં

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવા માટે આજે અંતિમ દિવસ છે.એવામાં ઇન્ડિયા ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નેતા હાજર રહ્યાં હતા.
બી.સુદર્શન રેડ્ડીએ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી
INDIA ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીએ ઉમેદવારીપત્ર ભર્યા પહેલા સ્વતંત્રતા સેનાની અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી
9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. એક તરફ NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે તો વિપક્ષ તરફથી INDIA ગઠબંધને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીના નામની જાહેરાત કરી છે. ખાસ વાત આ છે કે બન્ને ઉમેદવાર દક્ષિણ ભારતમાંથી આવે છે.
કોણ છે સુદર્શન રેડ્ડી?
બી.સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઇ 1946માં વર્તમાનમાં તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ઇબ્રાહિમપટનમ તાલુકાના અકુલા માયલારામ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. બી.સુદર્શન રેડ્ડીએ 1971માં હૈદરાબાદની ઉસ્માનિયા યૂનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી લીધી હતી અને આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલમાં એક વકીલના રૂપમાં નોમિનેશન કર્યું હતું. તે બાદ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં રિટ અને સિવિલની પ્રેક્ટિસ કરી હતી.
બી સુદર્શન રેડ્ડીએ 1988થી 1990 વચ્ચે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં સરકારી વકીલના રૂપમાં કામ કર્યું છે.તે ઉસ્માનિયા યૂનિવર્સિટીના કાયદાકીય સલાહકાર અને સ્થાયી વકીલ પણ રહ્યાં છે.
તે 1995માં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં જજ બન્યા હતા. 2005માં ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2007માં તે સુપ્રીમ કોર્ટના જજ બન્યા અને 2011માં રિટાયર થયા હતા.
માર્ચ 2013માં જસ્ટિસ રેડ્ડી (રિટાયર્ડ) ગોવાના પ્રથમ લોકાયુક્ત બન્યા હતા. જોકે, કેટલાક મહિના બાદ સપ્ટેમ્બરમાં તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હતું.








