મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રેલવે મુસાફરો માટે ખુશખબર: સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ રેલવેનો ઐતિહાસિક નિર્ણય! 27 ઓક્ટોબરથી બદલાઈ જશે આ મોટો નિયમ

રેલવે મુસાફરો માટે ખુશખબર: સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ રેલવેનો ઐતિહાસિક નિર્ણય! 27 ઓક્ટોબરથી બદલાઈ જશે આ મોટો નિયમ
આ સમાચાર સાંભળો

રેલવે મુસાફરો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ ભારતીય રેલવે દ્વારા મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવે ઓનલાઇન ટિકિટની જેમ જ રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ મુસાફરી દરમિયાન વીમા કવચનો લાભ મળશે. રેલવે તંત્ર દ્વારા આ નવી વ્યવસ્થા 27 ઓક્ટોબર 2026થી લાગુ કરવામાં આવશે.

ઑફલાઇન ટિકિટ ખરીદનારાઓને થશે મોટો ફાયદો

અત્યાર સુધી માત્ર IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ યાત્રા વીમાનો વિકલ્પ મળતો હતો, જ્યારે કાઉન્ટર પરથી સીધી ટિકિટ લેનારા લોકો આ સુરક્ષાથી વંચિત રહી જતા હતા. નવા નિર્ણયથી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ન કરી શકતા સામાન્ય વર્ગના મુસાફરોને પણ સમાન સુરક્ષા કવચ મળશે અને ઓનલાઇન તેમજ ઑફલાઇન ટિકિટ વચ્ચેનો ભેદભાવ દૂર થશે.

45 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનું કવરેજ

હાલ ઓનલાઇન બુકિંગ માટે લાગુ નિયમ મુજબ મુસાફર દીઠ માત્ર 45 પૈસાના પ્રીમિયમમાં મુસાફરી દરમિયાન અકસ્માત, મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. કાઉન્ટર ટિકિટ માટે પ્રીમિયમનો ચોક્કસ દર, જરૂરી દસ્તાવેજો અને ક્લેમ કરવાની વિગતવાર પ્રક્રિયા અંગે રેલવે ટૂંક સમયમાં સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરશે.

સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી સાથે 27 ઓક્ટોબરની ડેડલાઇન

જૂન 2023માં ઓડિશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત બાદ રેલવે સુરક્ષા મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર. મહાદેવનની બેંચે ઑફલાઇન મુસાફરોને વીમો આપવામાં થઈ રહેલા વિલંબ સામે નારાજગી દર્શાવી હતી. કોર્ટે રેલવે બોર્ડને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે 27 ઓક્ટોબર સુધીમાં આ સુવિધા ફરજિયાતપણે લાગુ કરવી પડશે, અન્યથા બોર્ડ સામે સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો