મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રેલવેનાં કર્મચારીઓને 78 દિવસનું બોનસ જાહેર

રેલવેનાં કર્મચારીઓને 78 દિવસનું બોનસ જાહેર

કેન્દ્રીય કેબિનેટે ૧૧,૪૦,૭૭૦ રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસનાં પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (પીએલબી)ની ચુકવણીને મંજૂરી આપી છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. આ કુલ ૨૦૦૯.૬૧ કરોડ રૂપિયાનું બોનસ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવી રહ્યું છે. પાત્રતા ધરાવતા રેલવે કર્મચારીઓને પીએલબીની ચુકવણી દર વર્ષે દશેરાની રજા અગાઉ કરવામાં આવે છે.

રેલ્વે કર્મચારીઓ માટે આનંદો

સરકારે જણાવ્યું છે કે ચાલુ વર્ષે પણ લગભગ ૧૧.૪૦ લાખ નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનાં પગારની બરાબર પીએલબીની રકમ ચુકવવામાં આવશે. પીએલબીની ચુકવણી રેલવે કર્મચારીઓને રેલવેનાં કામકાજમાં સુધાર માટે પ્રેરિત કરવા માટેનું કાર્ય કરે છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે દરેક પાત્રતા ધરાવતા રેલવે કર્મચારીને ૭૮ દિવસ માટે વધુમાં વધુ ૧૭,૫૯૧ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.

આ રકમ રેલવેનાં અલગ અલગ કેટેગરીનાં કર્મચારીઓને આપવામાં આવશે. જેમાં ટ્રેક મેન્ટેનર, લોકો પાયલોટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેક્નિશિયન હેલ્પર, પોઇન્ટ્સમેન, મિનિસ્ટ્રિયલ સ્ટાફ અને અન્ય ગુ્રપનાં સી સ્ટાફનો સમાવેશ થાય છે.સરકારે જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૫-૨૬માં રેલવેની કામગીરી ખૂબ જ સારી રહી છે.રેલવેએ વિક્રમજનક ૧૬૭ કરોડ ટન કાર્ગોનું વહન કર્યુ છે અને લગભગ ૭.૪૧ અબજ યાત્રીઓને યાત્રા કરાવી છે.

આ સમાચાર શેર કરો