Video: તહેવારોમાં દેશના અર્થતંત્રને બરબાદ કરવાનો મોટો પ્લાન? વિદ્યાર્થી આંદોલનની આડમાં ચાલી રહેલા ખેલ પર ભાજપનો પર્દાફાશ!

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદીએ વિપક્ષી ગઠબંધન 'ઇન્ડી' (INDI) અને ડાબેરી પક્ષો પર દેશમાં અસ્થિરતા ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજકીય જમીન ગુમાવી ચૂકેલા પક્ષો હવે લોકતાંત્રિક રીતે નહીં, પરંતુ વિદેશી તાકાતો સાથે મળીને ભારતમાં 'શાસન પરિવર્તન' (Regime Change) લાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
ચૂંટણી દ્વારા સત્તા પરિવર્તન અને 'શાસન પરિવર્તન' વચ્ચેનો તફાવત
ડૉ. સુધાંશુ ત્રિવેદીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, "ચૂંટણીઓ દ્વારા સરકાર બદલવી એ લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ 'રેજિમ ચેન્જ' એટલે કે શાસન પરિવર્તનનો અર્થ વિદેશી તાકાતો સાથે સાંઠગાંઠ, હિંસક સંઘર્ષ અને કાવતરાં દ્વારા લોકતાંત્રિક સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરવો થાય છે." તેમણે ઉમેર્યું કે જનસમર્થન ગુમાવી ચૂકેલા અને નૈતિક પતન તરફ ધકેલાયેલા વિપક્ષી પક્ષો હવે ભારતીય રાજકારણમાં આવા ખતરનાક શબ્દો અને ષડયંત્રોને સ્થાન આપી રહ્યા છે.
કનોટ પ્લેસના પ્રદર્શન પર તીખો કટાક્ષ
દિલ્હીના કનોટ પ્લેસ ખાતે યોજાયેલા પ્રદર્શન પર કટાક્ષ કરતાં સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "કનોટ પ્લેસનો બાહ્ય પરિઘ 'ઇન્દિરા ચોક' અને આંતરિક પરિઘ 'રાજીવ ચોક' તરીકે ઓળખાય છે. આજે ઉપરથી આ સ્થિતિ જોઈને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી અને સ્વર્ગસ્થ રાજીવ ગાંધી પણ શરમથી માથું ઝુકાવી લેતા હશે કે આ જૂથો મુઠ્ઠીભર લોકોને પણ એકઠા કરી શક્યા નથી."
તહેવારોની સિઝનમાં અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો આરોપ
સુધાંશુ ત્રિવેદીએ આંદોલનના સમય અને સ્થળ પર ગંભીર સવાલો ઉઠાવતાં કહ્યું કે, સેન્ટ્રલ દિલ્હીનો આ વિસ્તાર તહેવારોની મોસમમાં માત્ર દિલ્હી જ નહીં, પરંતુ આસપાસના રાજ્યો માટે પણ વેપારનું મુખ્ય કેન્દ્ર છે. શું આવા વ્યસ્ત વિસ્તારમાં પ્રદર્શન કરીને દેશના અર્થતંત્રને ખોરવવાનું કોઈ ષડયંત્ર ઘડાઈ રહ્યું છે?
તેમણે દેશના યુવાનોને ચેતવણી આપતાં આહ્વાન કર્યું કે, "જે આંદોલન માત્ર ૩-૪ મહિના પહેલાં પરીક્ષા પદ્ધતિ અને પ્રવેશ પરીક્ષાઓમાં સુધારાની માગ સાથે શરૂ થયું હતું, તે હવે ખુલ્લેઆમ દેશના અર્થતંત્રને તોડવા અને નુકસાન પહોંચાડવાના કાવતરામાં સામેલ થઈ ગયું છે, તે દેશના યુવાનોએ સ્પષ્ટપણે સમજવું પડશે."
સુધાંશુ ત્રિવેદીના આ આક્રમક નિવેદન બાદ દેશના રાજકારણમાં વિદ્યાર્થી પ્રદર્શનો અને તેના પાછળના રાજકીય હેતુઓ અંગેની ચર્ચા ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગઈ છે.








