રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં થશે મોટો વધારો? અમેરિકામાં આપેલા નિવેદન પર હાઈકોર્ટે ચુકાદો રાખ્યો અનામત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વર્ષ 2024માં અમેરિકા પ્રવાસ દરમિયાન આપવામાં આવેલા એક નિવેદન સામે FIR નોંધવાની માંગ કરતી અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી લીધી છે. હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ અરજી વારાણસીના રહેવાસી નાગેશ્વર મિશ્રા અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવી છે.
FIR નોંધીને તપાસ કરવાની માંગ
અરજદારોએ રાહુલ ગાંધી સામે તાત્કાલિક FIR નોંધીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગણી કરી છે. આ અરજી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 528 હેઠળ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણની સિંગલ બેંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી.
રાહુલ ગાંધી સામે શું છે મુખ્ય આરોપ?
અરજીમાં જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ 10 સપ્ટેમ્બર 2024ના રોજ અમેરિકામાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમના પર આરોપ છે કે તેમણે ભારતમાં શીખ સમુદાયના લોકો, તેમની પાઘડી અને કડું પહેરવાના અધિકાર તેમજ ગુરુદ્વારા જવા અંગે ટિપ્પણી કરી હતી. આ નિવેદન દેશની છબિ ખરડાવનારું હોવાનું જણાવીને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે.
અમેરિકામાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં શીખ સમુદાયમાં એ વાતને લઈને ચિંતા છે કે શું તેમને પાઘડી અને કડું પહેરવાની મંજૂરી મળશે અને શું તેઓ મુક્તપણે ગુરુદ્વારા જઈ શકશે. તેમણે ઉમેર્યું હતું કે આ ચિંતા માત્ર શીખ સમુદાય પૂરતી સીમિત નથી, પરંતુ દેશના તમામ ધર્મો સાથે જોડાયેલી છે.
ભાજપ અને RSS પર પણ કર્યા હતા આકરા પ્રહારો
આ નિવેદન સાથે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપ એ સ્વીકારવા તૈયાર નથી કે દેશ તમામ નાગરિકોનો છે. ભારતને બંધારણમાં એક 'રાજ્યોનો સંઘ' ગણાવવામાં આવ્યો છે, જેમાં અલગ-અલગ ઇતિહાસ, પરંપરાઓ, સંગીત અને નૃત્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધતાં કહ્યું હતું કે RSS ભારતની વિવિધતાને સમજી શકતું નથી અને તેમની વિચારસરણીમાં કેટલાક રાજ્યો, ભાષાઓ, ધર્મો અને સમુદાયોને બીજા કરતાં ઊતરતા માનવામાં આવે છે. આ સંદર્ભમાં તેમણે તમિલ, મરાઠી, બંગાળી અને મણિપુરી જેવી ભાષાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વારાણસીની કોર્ટમાંથી હાઈકોર્ટ પહોંચ્યો વિવાદ
આ મામલે અરજદાર નાગેશ્વર મિશ્રાએ સૌપ્રથમ વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી. જોકે, પોલીસે કોઈ પગલાં ન લેતાં તેઓ કોર્ટમાં ગયા હતા. તારીખ 28 નવેમ્બર 2024ના રોજ ACJM-II કોર્ટે આ કેસ ફગાવી દેતાં જણાવ્યું હતું કે આ કથિત નિવેદન અમેરિકામાં આપવામાં આવ્યું હોવાથી તે સ્થાનિક કોર્ટના અધિકારક્ષેત્ર બહારનો વિષય છે.








