ગુજરાત સહિત 6 શહેરોમાં EDના દરોડા, શેરબજારમાં હેરાફેરી અને મની લોન્ડરિંગ મામલે હાથ ધરી સઘન તપાસ

કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસ-I એ શેરબજારમાં કથિત હેરાફેરી અને મની લોન્ડરિંગના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ 16 ઓક્ટોબર 2026ના રોજ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 6 શહેરોમાં 29 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મુંબઈ, નાસિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં કરવામાં આવી હતી. આ તપાસનો સંબંધ લિસ્ટેડ કંપનીઓ મેસર્સ આર એમ ડ્રિપ એન્ડ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ લિમિટેડ અને મેસર્સ આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડના શેરોમાં કથિત હેરાફેરી સાથે છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ આ કાર્યવાહી કરી છે."
શેરોના એલોટમેન્ટથી લઈને કિંમત વધારવા સુધીની તપાસ
તપાસ એજન્સી ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે એપ્રિલ 2023થી માર્ચ 2024ની વચ્ચે બંને કંપનીઓએ પસંદગીના વ્યક્તિઓ અને સંસ્થાઓને 3.5 કરોડથી વધુ શેર અને કન્વર્ટિબલ વોરંટ જાહેર કર્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ શેરોના પેમેન્ટ માટેની મોટી રકમ કેટલાક મર્યાદિત અને અંદરોઅંદર જોડાયેલા લોકો, કંપનીઓ અને ધિરાણકર્તાઓના જૂથમાંથી આવી હતી. આ સાથે એવો પણ આક્ષેપ છે કે ત્યારપછીના મહિનાઓમાં બંને કંપનીઓના શેરોની કિંમત સતત વધારવામાં આવી હતી, જ્યારે મોટાભાગના શેર તે જ લોકો પાસે રહ્યા હતા.
'મલ્ટીબેગર્સ સ્ટોક્સ' જેવા વોટ્સએપ ગ્રુપથી રોકાણકારોને આકર્ષ્યા
ઇડીની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ડિસેમ્બર 2025ના અંતથી ફેબ્રુઆરી 2026ની વચ્ચે 'મલ્ટીબેગર સ્ટોક્સ' જેવા નામ ધરાવતા વોટ્સએપ કોમ્યુનિટી ગ્રુપ દ્વારા આ બંને શેર ખરીદવા માટે રોજેરોજ ટિપ્સ મોકલવામાં આવતી હતી. (મલ્ટીબેગર સ્ટોક્સ) એ શેરબજારનો એક લોકપ્રિય શબ્દ છે. સરળ ભાષામાં કહીએ તો, એવા શેર જે રોકાણકારોને ટૂંકા અથવા લાંબા ગાળામાં તેમણે રોકેલા નાણાં કરતાં અનેક ગણું વળતર (રિટર્ન્સ) આપે છે, તેને મલ્ટીબેગર સ્ટોક કહેવામાં આવે છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ગ્રુપો દ્વારા નાના અને રિટેલ રોકાણકારોને શેર ખરીદવા માટે આકર્ષિત કરવામાં આવ્યા હતા. આ ગ્રુપો ચલાવવા માટે હરિયાણા અને મુંબઈમાં અન્ય લોકોના નામે લેવાયેલા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે તેનું સંચાલન ગુજરાતના ભાવનગરથી કરવામાં આવતું હતું. ઇડીના જણાવ્યા અનુસાર, આ મેસેજો પછી બંને શેરોમાં ખરીદદારોની સંખ્યા આશરે 3,400થી વધીને એક લાખથી વધુ થઈ ગઈ હતી.
વોટ્સએપ ગ્રુપ ડિલીટ થતાં જ શેરોમાં ભારે કડાકો
તપાસ મુજબ, 25 ફેબ્રુઆરી 2026ના રોજ આ વોટ્સએપ ગ્રુપોને અચાનક ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. આ પછી બંને કંપનીઓના શેર લોઅર સર્કિટ પર આવી ગયા અને ગણતરીના દિવસોમાં જ તેમની કિંમત લગભગ 70 ટકા જેટલી તૂટી ગઈ. આ ઘટનાક્રમને કારણે એક લાખથી વધુ નાના રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. ઘણા રોકાણકારો આવા શેરોમાં ફસાઈ ગયા હતા, જેને તેઓ ઘટતી કિંમતો વચ્ચે વેચી પણ શકતા નહોતા.
કંપનીઓની ઓફિસો, પ્રમોટરોના ઘર અને બ્રોકિંગ ફર્મો પર દરોડા
ઇડીએ જે સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તેમાં બંને કંપનીઓની ઓફિસો, તેમના પ્રમોટરોના રહેઠાણો, ઓછી કિંમતે શેર મેળવનારા લોકોના ઠેકાણા, સ્ટોક-બ્રોકિંગ અને ફાઇનાન્સ કંપનીઓની ઓફિસો તેમજ કથિત રીતે પ્રચાર માટે ઉપયોગમાં લેવાયેલા વોટ્સએપ ગ્રુપોના સંચાલન સાથે જોડાયેલા લોકોના પરિસરો સામેલ છે. દરોડા દરમિયાન તપાસ એજન્સીએ અસંખ્ય વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ, શેર ટ્રાન્ઝેક્શનને લગતા રેકોર્ડ અને મિલકતના દસ્તાવેજો રિકવર કરીને જપ્ત કર્યા છે. ઇડી આ મામલામાં મની લોન્ડરિંગ અને શેરબજારમાં કથિત હેરાફેરી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે.




