'રાહુલ ગાંધી દેશનું દુર્ભાગ્ય!, વિપક્ષના નેતા અરાજકતાના પ્રતીક બની ગયા છે' ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાનો સણસણતો વાર

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધીને ભારતીય લોકશાહીમાં 'અરાજકતાના સાક્ષાત પ્રતીક' ગણાવતા કહ્યું કે, તથ્યોએ આ બાબત સાબિત કરી દીધી છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ આ મામલે સુનાવણી થઈ ચૂકી છે.
ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, દેશ માટે એ એક મોટું દુર્ભાગ્ય છે કે જે વ્યક્તિ બંધારણથી અજાણ, અપરિપક્વ, બેજવાબદાર અને અરાજક માનસિકતા ધરાવે છે તે અત્યારે વિપક્ષના નેતા (LoP) જેવા બંધારણીય પદ પર બેઠા છે. તેમણે કોંગ્રેસ પર બેવડા ધોરણો અપનાવવાનો આક્ષેપ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી અને તેમની પાર્ટી અરાજકતા ફેલાવીને બંધારણના લીરેલીરા ઉડાવી રહી છે. આ દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, પ્રદર્શન દરમિયાન વર્દીમાં તહેનાત મહિલા સુરક્ષાકર્મીઓ સાથે થયેલી ગેરવર્તણૂક માટે આખરે જવાબદાર કોણ છે?
તેમણે ઉમેર્યું હતું કે, વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર ચોક્કસ છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે કોઈને મર્યાદાઓ ઓળંગવાનું લાયસન્સ મળી જાય. બંધારણીય દાયરાની બહાર જઈને જાહેર રસ્તાઓ કે સુપ્રીમ કોર્ટ પરિસરમાં ગુંડાગીરી અને સૂત્રોચ્ચાર કરવાની છૂટ ન આપી શકાય. કોઈપણ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ, કાયદેસર, પૂર્વ પરવાનગી સાથે અને નક્કી કરાયેલા સ્થળે જ થવું જોઈએ, એ જ આ દેશનો કાયદો છે.






