ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને ભર્યું ફોર્મ, દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણને પીએમ મોદીની ઉપસ્થિતિમાં પ

ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણને પીએમ મોદીની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે ઉમેદવારી દાખલ કરવા સમયે સીપી રાધાકૃષ્ણન સાથે પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ સહિતના NDAના કદાવર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે વિપક્ષે સીપી રાધાકૃષ્ણન સામે નિવૃત્ત જજ સુદર્શન રેડ્ડીને ઉતાર્યા છે.
NDA એ રવિવારે 17મી ઓગસ્ટે પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જેપી નડ્ડાએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી.
કોણ છે સીપી રાધાકૃષ્ણન?
ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (સીપી રાધાકૃષ્ણન), જેઓનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો, તેઓ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા રહ્યા છે અને તાજેતરમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. રાધાકૃષ્ણને તેમની રાજકીય કારકિર્દી આરએસએસ અને જનસંઘથી શરૂ કરી હતી. તેઓ 1998 અને 1999માં કોઈમ્બતુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2003થી 2006 સુધી તમિલનાડુ ભાજપ પ્રમુખ હતા.
સીપી રાધાકૃષ્ણન ફેબ્રુઆરી-2023થી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. આ ઉપરાંત, તેમણે માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણાનો વધારાનો હવાલો અને માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. તેઓ 31 જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
સીપી રાધાકૃષ્ણનનું નોંધપાત્ર કાર્ય
વર્ષ-2004-2007 દરમિયાન, તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે, તેમણે 93 દિવસની રથયાત્રા કાઢી હતી, જેનો હેતુ નદીઓને જોડવાનો, આતંકવાદ સામે જાગૃતિ લાવવાનો અને અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનો હતો. તેઓ સંસદમાં કાપડ પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ હતા. તેમણે નાણાકીય અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને લગતી ઘણી સમિતિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે કોઈમ્બતુરની વીઓ ચિદમ્બરમ કૉલેજમાંથી બીબીએની ડિગ્રી મેળવી હતી.
વિપક્ષી ભારત ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરતાં કહ્યું કે, વિપક્ષી ગઠબંધને સર્વાનુમત્તે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને જાહેર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધને સર્વાનુમતે તેમનું નામ પસંદ કર્યું છે. બી સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ, 1946 ના રોજ થયો હતો, તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ગોવાના પ્રથમ લોકાયુક્ત હતા.
આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે પોતાની ન્યાયિક કારકિર્દી શરૂ કરી
જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી આંધ્રપ્રદેશના છે. તેમણે ૧૯૯૧માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે પોતાની ન્યાયિક કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્તિ બાદ તેમને ગોવાના પ્રથમ લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગોવામાં લોકાયુક્ત તરીકે તેમણે પ્રામાણિક અને કડક છબી ધરાવતા અધિકારી તરીકે કામ કર્યું. તેમણે દબાણ વિના ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરી અને પારદર્શિતાની હિમાયત કરી.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંખ્યા બળમાં કોનું પલડું ભારે?
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી પરિણામ પણ તે જ દિવસે જાહેર થશે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન આપે છે. વર્તમાન સ્થિતિમાં સંખ્યા બળમાં એનડીએ ગઠબંધનનું પલડું ભારે છે. જો કે, બંને સંસદ ગૃહની સંયુક્ત ક્ષમતા પર નજર કરીએ તો 786 બેઠક છે. જેમાંથી છ બેઠક હાલ ખાલી છે. એક લોકસભામાં (બશીરહાટ, પશ્ચિમ બંગાળ) અને પાંચ રાજ્ય સભા, જેમાં ચાર જમ્મુ-કાશ્મીર અને એક પંજાબમાં બેઠક છે.
એનડીએની જીતની પ્રબળ સંભાવના
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારે જીતવા માટે ઓછામાં ઓછા 349 મતની બહુમતિની જરૂર પડશે. જેમાં એનડીએ સારી સ્થિતિમાં છે. એનડીએ પાસે લોકસભામાં 542માંથી 293 સભ્યો છે. જ્યારે રાજ્યસભામાં 129 સાંસદ છે. વધુમાં નામાંકિત સભ્યોનું સમર્થન પણ સામેલ છે. આ સ્થિતિમાં એનડીએ ગઠબંધનની પાસે કુલ 422 મત છે. જે બહુમત કરતાં વધુ છે. બંધારણની અનુચ્છેદ 68 (2) હેઠળ ત્યાગપત્ર, મૃત્યુ, પદ પરથી દૂર થવા સહિતના અન્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદની ખાલી પડેલી જગ્યાને તુરંત ભરવામાં આવે છે.








