Video: 'દુદારસિંહ ચૌહાણ જ જોઈએ..', શિક્ષકની બદલીના વિરોધમાં ગોલવી ગામમાં ગ્રામજનોના ધરણાં
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોલવી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દુદારસિંહ ચૌ
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોલવી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દુદારસિંહ ચૌહાણની વહીવટી બદલી થતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દુદારસિંહ ચૌહાણની બદલી સુઇગામના ધનાણા ખાતે કરવામાં આવતાં ગ્રામજનો આક્રમક મૂડમાં આવી ગયા છે અને તેમની બદલી રોકવા માટે અનોખો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.
શિક્ષક માટે ધરણાં અને તાળાબંધી
શિક્ષક દુદારસિંહ ચૌહાણની બદલી રોકવા માટે ગ્રામજનોએ સૌ પ્રથમ શનિવારે શાળાને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આજે સોમવારે શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થતી હોવાથી, બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી ગ્રામજનોએ શાળાના તાળા ખોલી નાખ્યા હતા.
પરંતુ, તેમનો વિરોધ ચાલુ રાખવા માટે આજે ગ્રામજનો શિવ મંદિરમાં ધરણાં પર બેઠા છે. સ્થાનિકો વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
'કિન્નખોરી રાખી બદલી કરાઈ'
સ્થાનિકોની એક જ માંગ છે કે, "અમારે માત્ર દુદારસિંહ ચૌહાણ શિક્ષક જ જોઈએ છે." ગ્રામજનોએ તંત્ર પર આરોપ લગાવ્યો છે કે તેમના શિક્ષકના વિરોધમાં કિન્નખોરી રાખીને આ બદલી કરવામાં આવી છે.
ગ્રામજનોનું કહેવું છે કે, હાલમાં જ ગોલવી પ્રાથમિક શાળામાં ત્રણ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. આવા સંજોગોમાં વધુ એક લોકપ્રિય શિક્ષકની બદલી કરવી યોગ્ય નથી. જો પૂરતા શિક્ષકો નહીં હોય તો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ નહીં મળે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે, જ્યાં સુધી શિક્ષકની બદલી રદ નહીં કરાય, ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.







