મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (27મી ફેબ્રુઆરી) સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દ

તસવીર: GSTV

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (27મી ફેબ્રુઆરી) સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરતની પાસપોર્ટ ઓફિસ તેમજ ભાવનગર અને અમરેલીની હેડ પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે.

પાસપોર્ટ ઓફિસમાં સઘન સર્ચ ઓપરેશન

મળતી માહિતી અનુસાર, સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરમાં ખૂણેખૂણાની તપાસ કરી હતી. પાસપોર્ટ કચેરીમાં કામકાજ માટે આવેલા અરજદારોમાં ફાળફાળ વ્યાપી ગઈ હતી, જોકે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી તપાસ ચાલુ રાખી છે.

ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસો નિશાન પર

સુરત બાદ ભાવનગર અને અમરેલીમાં પણ સમાન પ્રકારની ધમકી મળતા ગભરાટ ફેલાયો છે. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક પોલીસે ઓફિસની સુરક્ષા વધારી સર્ચ હાથ ધર્યું છે. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ મેઈલ દ્વારા ધમકી મળી હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. અહીં ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને ધમકી 

જામનગરની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેને લઈને એલ.સી.બી., એસ.ઓ.જી., ફોગસ્કોડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતનું સુરક્ષાતંત્ર દોડતું થયું હતું, અને ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર પોસ્ટ ઓફિસની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.

ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હોવાથી ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. પોસ્ટ ઓફિસમાં હાજર રહેલા તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, ઉપરાંત પોસ્ટ ઓફિસમાં આવેલા મુલાકાતીઓને પણ બહાર બોલાવી લઈ સમગ્ર પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી કશું વાંધાજનક મળ્યું નથી.

વલસાડ હેડ પોસ્ટ ઓફિસને મળી ધમકી

બીજી તરફ વલસાડ હેડ પોસ્ટ ઓફિસ અને નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે. બોમ્બની ધમકીના પગલે પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી છે. ધમકીનો કોલ મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા છે.  

એકસાથે વિવિધ શહેરોમાં મળેલી આ ધમકીઓ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર છે કે પછી કોઈની ટીખળ, તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ છે. રાજ્યભરમાં મહત્વની સરકારી કચેરીઓ અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

સુરતની પોસ્ટ ઓફિસને મળી ધમકી

સુરતની ઉમરા સ્થિત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આજે વહેલી સવારે 5 વાગ્યે પાસપોર્ટ ઓફિસના સત્તાવાર આઈડી પર અંગ્રેજીમાં એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં બિલ્ડીંગને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતા જ બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

હિંમતનગર પોસ્ટ ઓફિસને મળી ધમકી

સાબરકાંઠાના હિંમતનગર સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ઈ-મેલ દ્વારા મળેલી આ ગંભીર ધમકીના પગલે સાબરકાંઠા પોલીસનો કાફલો તાત્કાલિક દોડતો થયો હતો અને સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસની ઇમારતને ખાલી કરાવી તમામ કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. અગાઉ જિલ્લા કલેક્ટર કચેરીને પણ આવી જ ધમકી મળી હતી, જેને પગલે પોલીસની વિવિધ ટીમોએ હાલ પોસ્ટ ઓફિસના પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો