મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિનું નામ નક્કી કરવા કોકડું ગુંચવાયું

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિનું નામ નક્કી કરવા કોકડું ગુંચવાયું

ગુજરાત યુનિવર્સિટી સહિતની સરકારી યુનિયુનિવર્સિટીઓમાં વર્ષોથી કુલપતિની નિમણૂંક સંઘ દ્વારા અપાતા નામોથી જ થતી આવી છે. પરંતુ હવે ભાજપને સંઘ દ્વારા અપાતું નામ-ઉમેદવાર પસંદ ન હોવાની ચર્ચાએ શિક્ષણ જગતમાં જોર પકડ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે પૂર્વ કુલપતિની નિમણૂંક સંઘની સૂચનાથી થઈ હોઈ હવે નવા કુલપતિની નિમણૂંકને લઈને કોકડું ગૂંચવાયું છે. કારણકે સંઘ દ્વારા જે નામ સૂચવાયું છે તે ભાજપને સ્વીકાર્ય નથી અને બીજી બાજુ ભાજપ અન્ય પોતાના ઉમેદવારની નિમણૂંક કરવા માંગે છે. આ દરમિયાન પૂર્વ કુલપતિ સામે ઊભા થયેલા આક્ષેપો-ફરિયાદો મુદ્દે પણ ભાજપમાં જ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે.

સર્ચ કમિટીએ ત્રણ નામો આપ્યાને પણ ઘણો સમય થઈ ગયો પરંતુ આંતરિક વિખવાદ-રાજકારણ વચ્ચે વિલંબ

ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિની ટર્મ 30મી જૂને પૂરી થઈ હતી અને ત્યાં સુધી સરકારે સર્ચ કમિટીની પ્રક્રિયા ન કરી હોવાથી નવા કુલપતિની નિમણૂંકને લઈને વિલંબ થઈ રહ્યો છે. ડૉ. નિરજા ગુપ્તાની ટર્મ પૂરી થયા બાદ સરકારે ઇન્ચાર્જ કુલપતિ તરીકે જગદીશ જોશીને મુક્યા હતા અને ત્યારબાદ શરૂ થઈ વીસી વૉર. પૂર્વ કુલપતિ સામે એક પછી એક ભ્રષ્ટાચાર-નાણાકીય ગેરરીતિની ફરિયાદો આવી રહી છે અને તપાસ માટે નિમાયેલા પૂર્વ હાઈકોર્ટ જજની તપાસ વચ્ચે પણ યુનિયુનિવર્સિટીમાંથી ઇન્ટરનલ ડોક્યુમેન્ટ્સ બહાર આવી રહ્યા છે અથવા તો બહાર લાવવામાં આવી રહ્યા છે. કારણકે મળતી માહિતી મુજબ પૂર્વ કુલપતિ સામે ભાજપમાં જ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. સત્તામંડળના જ કેટલાક સભ્યો પૂર્વ કુલપતિ સામે પડ્યા હોઈ અને મળતી માહિતી મુજબ ઉપરથી આ મુદ્દે દોરીસંચાર પણ થઈ રહ્યો છે.

બદલાની આ રાજનીતિ વચ્ચે ગુજરાત યુનિયુનિવર્સિટીના 75 વર્ષના ઇતિહાસમાં ન જોવા મળેલી ઘટના રૂપે પ્રથમવાર પૂર્વ કુલપતિ સામે જાહેર ફરિયાદ મંચ ઉભું કરાયું છે. લંકાના વિભીષણ સમાન કેટલાક લોકો પૂર્વ કુલપતિની વિરૂદ્ધમાં પુરાવા એકત્ર કરવામા લાગ્યા છે. અગાઉ પણ યુનિયુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિઓ સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠી છે અને મોટા કૌભાંડો થયા છે. પરંતુ આ વખતની સ્થિતિ કંઈક અલગ જ છે. કારણકે ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે હવે ભાજપ વર્સીસ સંઘ પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવા કુલપતિની પસંદગીને લઈને ભાજપ અને આરસએસ વચ્ચે ખેંચતાણ અગાઉના કુલપતિની નિમણૂંક સંઘની સૂચનાથી હતી, ત્યારે હવે તેમના વિવાદો વચ્ચે ભાજપ પોતાના ઉમેદવાર મુકવા માંગે છે. આ ખેંચતાણમાં સર્ચ કમિટીએ આપેલા ત્રણ નામોના એક મહિના બાદ પણ હજી નામ નક્કી થઈ શક્યું નથી.

આ સમાચાર શેર કરો