મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Surat શિક્ષણ સમિતિનો વિવાદાસ્પદ નિર્ણય: લાખોનો ફ્રોડ છતાં સસ્પેન્ડેડ આચાર્ય પર પોલીસ ફરિયાદ નહીં

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લાંબા સમયથી ચાલી રહેલા કૌભાંડની શ્રેણીમાં

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લાંબા સમયથી ચાલી રહેલા કૌભાંડની શ્રેણીમાં વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શિક્ષણ સમિતિના સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલે સરકારની સર્વ શિક્ષા અભિયાન હેઠળની લાખો રૂપિયાની ગ્રાન્ટનો અંગત ઉપયોગ માટે દુરુપયોગ કર્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે.

₹8 લાખની ગ્રાન્ટ બારોબાર વાપરી નાખી

માહિતી અનુસાર, સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલે ₹8 લાખની ગ્રાન્ટ બારોબાર વાપરી નાંખી હતી. તેમનું સસ્પેન્શન થયા બાદ આ ગેરરીતિનો ખુલાસો થયો હતો. આ કિસ્સા પહેલા પણ સંજય પટેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ મંજૂરી વિના સંખ્યાબંધ વખત વિદેશ પ્રવાસ કરી આવ્યા હતા, જે તેમની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

સંજય પટેલનું નામ ₹400 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ હોવાના કેસમાં પણ બહાર આવી ચૂક્યું છે.

પૈસા ભરી દીધા, પણ ફરિયાદ ટાળી

ફાંડો ફૂટ્યા બાદ અને શિક્ષણ સમિતિ આક્રમક પગલાં ભરે તે પહેલા જ સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલે અંગત ઉપયોગ માટે વાપરેલી રકમ (₹8 લાખ) પરત જમા કરાવી દીધી હતી.

જોકે, સૌથી મોટો સવાલ એ છે કે ગંભીર ગેરરીતિ અને લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવા છતાં શિક્ષણ સમિતિ દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. સમિતિએ આઠ મહિના સુધી પૈસા મંજૂરી વિના વાપરવા બદલ માત્ર તેનું વ્યાજ વસૂલ કરવા માટે કવાયત શરૂ કરી છે, જેના કારણે સમિતિના શાસકોની કાર્યપદ્ધતિ સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

સસ્પેન્શન છતાં 70% પગાર

વળી, સંજય પટેલ સામે અગાઉ પણ અનેક ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે તેમ છતાં, તેમને સસ્પેન્શનના નિયમ મુજબ 70 ટકા પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી ગેરરીતિઓમાં નામ સામેલ હોવા છતાં આ પ્રકારે પગાર ચૂકવવામાં આવતા હોવાથી સમિતિના વહીવટની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો