Valsad news: કુંડી ફાટક પાસેના કારખાનામાં SOGના દરોડા, શંકાસ્પદ પાવડર તથા કેમિકલ ઝડપાયું

વલસાડ જિલ્લા SOG પોલીસને મોટી સફળતા મળી છે. મળતા અહેવાલ પ્રમાણે કુંડી ફાટક નજીકના એક કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું છે. કારખાનામાંથી શંકાસ્પદ પાવડર તથા પ્રવાહી સ્વરૂપે કેમિકલ ઝડપાયું છે,
ડ્રગ્સ કનેક્શનની દિશામાં તપાસ ઝડપી બનાવી
જે ડ્રગ્સ સંબંધિત હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લગભગ બે દિવસ પહેલાં DRI દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન20 કરોડથી વધુનું ડ્રગ્સ કેમિકલ ઝડપાયું હતું. SOG એ પણ સપાટો બોલાવતા ડ્રગ્સ કનેક્શનની દિશામાં તપાસ ઝડપી બનાવી છે.
બે દિવસ પહેલા વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. DRI એ અહીં ગેરકાયદે રીતે ચાલતી એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ કરીને અંદાજિત રૂ. 20 કરોડથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો તૈયાર જથ્થો જપ્ત કર્યો હતો.
ચાર આરોપીઓની ધરપકડ
DRIએ આ ઓપરેશનમાં ફેક્ટરીના બે માલિક અને બે વર્કર્સ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફેક્ટરીના માલિકો તરીકે ચંદ્રકાંત કેછડા અને અશોક મુળજી પીઠારીયાની ઓળખ થઈ છે. DRIએ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

