વાપીમાં જ્વેલર્સ પર હુમલા મામલે ઝડપાયેલા આરોપીએ ભાગવા જતાં પોલીસે પગમાં ગોળી મારી

વાપીના જવેલર્સ પર હુમલો કરી જાનથી મારી નાંખવાના પ્રયાસ કેસમાં પકડાયેલા ત્રણ પૈકી એક આરોપી પોલીસ પર હુમલો કરી ભાગ્યો હતો. જો કે પોલીસે આરોપીના પગ પર ગોળી મારી પકડી લીધા બાદ સારવાર માટે ખસેડાયો હતો. આરોપીને ચેકઅપ માટે બલીઠા સરકારી હોસ્પિટલમાં લઇ ગયા બાદ પરત લઇ જતી વેળા ઘટના બની હતી.
ત્રણ શખ્સોએ છરા વડે જીવલેણ હુમલો કર્યો
વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં આવેલા અભિષેક જ્વેલર્સના સંચાલક લલિત મોતીલાલ જૈન પર તાજેતરમાં જ ત્રણ શખ્સોએ છરા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરી ભાગી ગયા હતા. જો કે વાપી શાકભાજી માર્કેટમાં એક આરોપી લવપ્રીત સિંગને પકડી પાડયો હતો. જ્યારે ફરાર બે આરોપી જુગરાજ ઉર્ફે યુવરાજ સિંગ અને અમોલક સિંગને ઘટનાના અઢી કલાક બાદ વલસાડ પોલીસની કોઠાસૂઝ અને સંકલન કરી સુરત રેલવે સ્ટેશનથી પકડી પાડયા. પોલીસે ત્રણેય આરોપીના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસ કર્મચારી પર હુમલો કરી ભાગ્યો
આજે રવિવારે સવારે ત્રણ પૈકી એક આરોપી જુગરાજ સિંગને એસઓજીની ટીમ મેડીકલ ચેકઅપ માટે બલીઠા સ્થિત સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ચેકઅપ કરાયા પોલીસ જવાનો હોસ્પિટલમાંથી આરોપીને લઇ જતી વેળા કમ્પાઉન્ડમાં જ પોલીસ કર્મચારી પર હુમલો કરી ભાગ્યો હતો. જો કે પી.આઇ. ડી.ડી.પરમારે આરોપીના પગ પર એક રાઉન્ડ ગોળીબાર કરતા તે જમીન પર પટકાયો હતો. બાદમાં પોલીસે તેને પકડી સારવાર માટે ખસેડાયો હતો. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે.
અત્રે નોંધનીય છે કે અભિષેક જવેલર્સના સંચાલક પ્રદિપ જૈનના મોબાઇલ પર તાજેતરમાં જ દુબઈની જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પોતાને ગેંગસ્ટર રોહિત ગોદારાગેંગના સાગરિત ગણાવતા હજીન્દર ઊર્ફે હેરી ઢીલ્લોને રૂ.5 કરોડની ખંડણીની માંગણી કરી ધમકી આપી હતી. જવેલર્સે કોઇ દાદ નહી આપતા ત્રણ શખ્સોને ડારાવવા સોપારી આપી હતી. જો કે હુમલાની ઘટના બાદ પણ જવેલર્સને વોટ્સએપ મેસેજ અને વિડિયો ક્લીપ થકી ખંડણી માટે ધમકી આપવાનું ચાલું જ રખાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેને કારણે પોલીસ પણ સર્તકતા દાખવી છે.













