Video/ Vadodaraમાં પરિણીતાના મોત મામલે હોબાળો, હોસ્પિટલમાં જ પિયર-સાસરિયા વચ્ચે મારામારી!
વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણોલી મંદિર પાછળ રહેતા ભાવેશ વાદીના ઘરમાં તેમની પત્ની નેન્સી વાદીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. નેન્સીના રહસ્યમય મોતને પગલે મોટો હોબાળો થયો હતો, જેના કારણે પોલીસ વિભાગને એક્શનમાં આવવું પડ્યું છે.
હોસ્પિટલમાં મારામારી સુધી મામલો પહોંચ્યો
ઘટનાની જાણ થતાં જ મૃતક નેન્સીના પિયર પક્ષના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ પિયરિયાં અને સાસરિયાં વચ્ચે નેન્સીની હત્યા થઈ છે કે આત્મહત્યા તે મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષો વચ્ચે હોસ્પિટલમાં જ મારામારી પણ થઈ હતી.
પોલીસની કાર્યવાહી
મામલો બિચકાતા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. જવાહર નગર પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર પોલીસના એ.સી.પી. આર.ડી. કવાએ આ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, મૃતદેહનો પી.એમ. (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ આવ્યા બાદ તેમાં જે તથ્યો સામે આવશે, તેના આધારે કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે."
નેન્સીનું મોત હત્યા છે કે આત્મહત્યા, તે હવે પોલીસ તપાસ અને પી.એમ. રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

