સાણંદમાં અંધશ્રદ્ધામાં પિતાએ પુત્રનું કાસળ કાઢ્યું, પુત્ર 'ભુવો' ન બને તે માટે માતાજીની દેરી પાસે જ કરી હત્યા

સાણંદના વિંછીયા ગામમાં બનેલી એક હચમચાવી મૂકે તેવી ઘટનામાં પિતાએ પોતાના જ 10 વર્ષના માસૂમ દીકરાને રાતના સમયે માતાજીની દેરી પાસે પછાડીને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ચોંકાવનારી હત્યા કર્યા બાદ આરોપી પિતા બાળકના મૃતદેહને ખાટલામાં મૂકીને તેની બાજુમાં જ સૂઈ ગયો હતો, જેની જાણ થતાં માતાએ તાત્કાલિક ઘરે દોડી આવીને સાણંદ પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
વિગતવાર માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્યના સાણંદ સ્થિત વિંછીયા ગામમાં રહેતા 37 વર્ષીય ભારતીબેન પટેલ દસ દિવસ પૂર્વે પતિ નરેશના ત્રાસ અને મારપીટથી કંટાળીને પોતાના પિયર ચાલ્યા ગયા હતા, પરંતુ એકના એક પુત્ર કરણની પરીક્ષા હોવાથી તેને પિતા પાસે જ મૂક્યો હતો. ત્યારબાદ 1 નવેમ્બરની સાંજે તેમના પર પાડોશીનો ફોન આવ્યો જેમાં જાણવા મળ્યું કે નરેશે પુત્ર કરણને લાકડીથી માર માર્યો છે, આ ચોંકાવનારી માહિતી મળતા જ ચિંતિત ભારતીબેન તાત્કાલિક વિંછીયા પહોંચવા માટે નીકળી પડ્યા હતા.
રાત્રે 9 વાગ્યે પોતાના પરિવારજનો સાથે વિંછીયા પહોંચેલા ભારતીબેને ઘર પાસે આવેલી જોગણીમાતાની દેરી નજીક ખાટલામાં પોતાના માસૂમ પુત્ર કરણને લોહીલુહાણ મૃત હાલતમાં અને બાજુમાં જ લોહીવાળા કપડે સૂતેલા પતિ નરેશને જોયો. પુત્રના મોત અંગે પૂછપરછ કરતા નરેશે એવી ચોંકાવનારી કબૂલાત કરી હતી કે પોતે અને તેના પિતા માતાજીના ભુવા હતા, જેથી પોતાના પછી ઘરમાં અન્ય કોઈ ભુવો ન બને તે માટે તેણે માતાજીની દેરી આગળ કરણને પગથી પકડીને દેરી પર બે-ત્રણ વાર પછાડી તથા માથામાં લાકડીના ફટકા મારીને તેની ઘાતકી હત્યા કરી છે. આ હકીકત સાંભળતા જ ત્યાં હાજર તમામ લોકો ભારે રોષે ભરાયા હતા.
આ ઘટનાની જાણ ભારતીબેને તાત્કાલિક કરતા પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પરતપાસ કરીને કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને ભારતીબેનની ફરિયાદના આધારે હત્યારા પતિ નરેશ વિરુદ્ધ ગુનો દાખલ કરીને સમગ્ર મામલાની સઘન તપાસ હાથ ધરી છે.




