'અલનીનો'ની અસરથી ગુજરાતમાં જળસંકટના એંધાણ, હવે સરદાર સરોવર જ સહારો

ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના મોટાભાગના જળાશયોની સ્થિતિ નબળી બની છે. અલનીનોની અસરથી ચોમાસું નબળું રહેતાં ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, સરદાર સરોવર ડેમમાં પૂરતો જળસંગ્રહ હોવો રાજ્ય માટે રાહતના સમાચાર છે.
રાજ્યના 17 મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો
નવેમ્બર 2025માં ગુજરાતના કુલ 206 જળાશયોમાં 15,284.37 એમસીએમ પાણીનો જથ્થો હતો, જે આ વખતે ઘટીને 10,103 એમસીએમ થયો છે. એટલે કે એક વર્ષમાં પાણીના જથ્થામાં 5,181.37 એમસીએમનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, રાજ્યના 17 મુખ્ય જળાશયોમાં પણ પાણીનો જથ્થો 12,783.78 એમસીએમથી ઘટીને 8,840.65 એમસીએમ થયો છે. આમ, મુખ્ય જળાશયોમાં 3,943.13 એમસીએમ પાણી ઘટ્યું છે.
વરસાદની ટકાવારીમાં 29.79 ટકાનો ઘટાડો
રાજ્યમાં આ વર્ષે (2026) વખતે 811.96 મિ.મી વરસાદ નોંધાયો છે, જે સરેરાશના 89.34 ટકા થાય છે. તેની સરખામણીએ ગત વર્ષે (2025) નવેમ્બર મહિના સુધીમાં 1,061.80 મિ.મી વરસાદ નોંધાયો હતો, જે સરેરાશના 119.13 ટકા હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે રાજ્યમાં 249.84 મિમી ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની ટકાવારીમાં પણ 29.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ગત વર્ષ કરતાં વધુ
સરદાર સરોવર ડેમમાં આ વખતે પાણીનો જથ્થો ગત વર્ષની સરખામણીએ વધુ છે. નવેમ્બર 2025માં ડેમમાં 9,369.82 એમસીએમ પાણીનો જથ્થો હતો, જે આ વખતે વધીને 9,440.68 એમસીએમ થયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ ડેમમાં 70.86 એમસીએમ વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના અન્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો હોવા વચ્ચે સરદાર સરોવર ડેમની આ સ્થિતિ રાહતના સમાચાર સમાન છે.
4 જિલ્લાઓમાં સરકારે દુષ્કાળ જાહેર કર્યો
ઉલ્લેખનીય છેકે, અલનીનોની અસરને પગલે આ વર્ષે રાજ્યમાં ચોમાસા દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં વરસાદની સ્થિતિ અત્યંત નબળી રહી છે. ઓછા વરસાદના કારણે આ ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. ઓછા વરસાદની સીધી અસર ખેતી અને પાણીના જથ્થા પર પડવાની ચિંતા ઊભી થઈ છે.
મુખ્ય જળાશયોમાં નવેમ્બર મહિનાની સરખામણીએ તફાવત
જળાશયનું નામ - વર્ષ 2025 - વર્ષ 2026(જથ્થાનું પ્રમાણ એમસીએમ મુજબ છે)
સરદાર સરોવર (નર્મદા ડેમ) – 9369.82 - 9440.68
ઉકાઈ ડેમ – 7392.92 - 5376.54
કડાણા - 1249.30 - 793.71
દમણ ગંગા - 524.86 - 503.4
કરજણ - 537.57- 476.90
પાનમ -578.18 - 321.38
સુખી - 171.56 - 145.70
ધરોઈ- 812.9 - 406.33
હાથમતી -152.84 - 72.87
વાત્રક - 158.20 - 101.21
દાંતીવાડા - 381.60 - 89.96
શેત્રુંજી - 346.48 - 337.61
ભાદર -188.14 -31.33
90 ટકાથી વધુ પાણી ધરાવતા જળાશયો 151થી ઘટીને 35 થયા
ગત વર્ષે નવેમ્બર મહિનામાં રાજ્યના 151 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 35 જળાશયો રહ્યા છે. બીજી તરફ, ગત વર્ષે 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો ધરાવતા જળાશયોની સંખ્યા 30 હતી, જે આ વર્ષે વધીને 147 થઈ છે. આમ, એક જ વર્ષમાં જળાશયોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ આંકડા રાજ્યમાં જળસંગ્રહની સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
આજવા સરોવરમાં જળસ્તર નીચું રહેતા અત્યારથી ફેબ્રુઆરી જેવી સ્થિતિ
વર્ષ 2025માં સારા વરસાદને પગલે સપ્ટેમ્બર મહિનામાં આજવા સરોવરની સપાટી 212.95 ફૂટે પહોંચી હતી અને પાણીની આવક વધતાં સરોવરના તમામ 62 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જ્યારે આ વર્ષે ઓછા વરસાદને કારણે એક પણ વખત આજવા સરોવરની સપાટી ભયજનક સ્તરે પહોંચી નથી. સ્થિતિ એવી છે કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળતી પાણીની સપાટી અત્યારે જ જોવા મળી રહી છે. આજે સવારે આજવા સરોવરની સપાટી 208.57 ફૂટ નોંધાઈ હતી. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આજવા સરોવરમાં પાણીનો જથ્થો ઓછો રહ્યો છે.













