વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં માતા સહિત બંને સંતાનોએ ગળે ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ

વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી નરસિંહજીની પોળમાં આવેલી દલા પટેલની પોળમાં સોની પરિવારે સામૂહિક આપઘાત કરી મોતને વ્હાલું કર્યું છે. આજે બુધવારે સાંજે માતા અને યુવાન પુત્ર તેમજ પુત્રીની ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.
બે દિવસથી ઘરની બહાર નીકળતા નહીં હોવાથી સ્થાનિકોને શંકા ગઈ
દલા પટેલની પોળમાં રહેતા આરતીબેન સોની (ઉ.વ.50), તેમનો પુત્ર નિલકંઠ સોની (ઉ.વ.23) અને પુત્રી જેની સોની (ઉ.વ.20) ત્રણે બે દિવસથી ઘરની બહાર નીકળતા નહીં હોવાથી પોળના કેટલાંક લોકોને શંકા ગઇ હતી. ઘર પણ બંધ હતું જેથી પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘરે પહોંચી ત્યારે ત્રણેની દુપટ્ટાથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.
હાર્ટની બીમારીના કારણે એક વર્ષ અગાઉ પતિનું થયું હતું મોત
સોની પરિવારના માતા અને બે સંતાનોના આ મોત અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આરતીબેનના પતિ ચેતનભાઇનું એક વર્ષ પહેલાં જ હાર્ટની બીમારીના કારણે મોત થયું હતું. બાદમાં આરતીબેન તેમજ પરિવારના સભ્યો જુના પાદરારોડ પર આયુર્વેદિક દવાઓનું કામ કરતા હતાં. આરતીબેનનો પુત્ર કેનેડા અભ્યાસ માટે ગયો હતો અને પિતાના અવસાન બાદ તે પરત ફર્યો હતો અને અહીં જ રહેતો હતો.
પોલીસે મૃતદેહોને કબજો લઈ તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્રણેય મૃતદેહોને કબજો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા બાદ સામૂહિક આત્મહત્યા પાછળના ચોક્કસ કારણોની તપાસ તેજ કરી છે.
















