'જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે', ધારાસભ્યએ જ કર્યું BZ ગ્રુપના કૌભાંડીનું માર્કેટિંગ
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટ

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ ધારાસભ્ય કરતા જોવા મળ્યા હતા. ધવલસિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમમાં રોકાણની વાત કરતા જોવા મળે છે. જોકે, હવે આ મામલે ધવલસિંહ ઝાલાએ વાયરલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ધવલસિંહ ઝાલા BZ ગ્રુપમાં રોકાણનો કરતા હતા પ્રચાર
BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડનું બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માર્કેટિંગ કરતા જોવા મળ્યા હતા. BZ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વીડિયો સામે આવ્યો છે જેમાં ધવલસિંહ ઝાલા એકના બે અને બેના ચાર કઇ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારૂં આવડે છે તેમ કહેતા જોવા મળતા હતા.ધારાસભ્યએ કહ્યું કે, કોઇએ ચિંતા કરવાની જરૂર નથી, જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે.
ધવલસિંહ ઝાલાએ વાયરલ વીડિયોને લઇને કરી સ્પષ્ટતા
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની પ્રતિક્રિયા સામે આવી છે. ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, મેં જે વાત કરી હતી તે સંસ્થાના ગ્રોથને વધારવાની વાત હતી. 2થી 3 અને 5 હજાર વિદ્યાર્થીઓ વધારવા બાબતની ચર્ચા કરી હતી. મારા વીડિયોને ખોટી રીતે બતાવવામાં આવ્યો છે. હું શિક્ષણ સાથે જોડાયેલો છું તો સંસ્થાના ગ્રોથ અને સંખ્યા વધારવાની વાત કરી હતી.
આ પણ વાંચો: 6 હજાર કરોડનો કૌભાંડી ભાજપનો નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો હોવાની આશંકા
શું છે ઘટના?
BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 6000 કરોડ ઉઘરાવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે.ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે.વર્ષ 2021થી ઓફિસ ખોલીને રોકાણો મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે વિધીવત ફરિયાદ નોંધીને કર્યો છે.
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કરીને CID ક્રાઇમે વિધીવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.








