પાટડી-બહુચરાજી હાઈવે પર લૂંટારૂઓ બેફામ, ટ્રક ચાલકે Video વાયરલ કરી અન્ય ચાલકોને કર્યા સાવધાન
રાજ્યમાં હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-બહુચરાજી હાઈવે પર લૂંટારૂ ટોળકી સક્રિય થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક ટ્રક ચાલકે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને હાઈવે પર થતી લૂંટની ઘટનાઓનો પર્દાફાશ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
પાટડી-બહુચરાજી હાઈવે પરથી પસાર થતા ટ્રક ચાલકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં એક ટ્રક ચાલકે આપવીતી જણાવતા કહ્યું છે કે, હાઈવે પર લૂંટારૂઓ બેફામ બન્યા છે અને ચાલુ ટ્રકોમાં લૂંટ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
રાજસ્થાનથી મોરબી જતા ચાલકોને અપીલ
વાયરલ વીડિયોમાં ટ્રક ચાલકે ખાસ કરીને રાજસ્થાનના ભીલવાડા અને અજમેર તરફથી આવીને મોરબી તરફ જતા વાહનચાલકોને સાવધ રહેવા અપીલ કરી છે. લૂંટારૂઓ આ રૂટ પર સક્રિય હોવાથી માલસામાન અને જીવનું જોખમ હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

