સુરતમાં સર્જાયો હિલ સ્ટેશનનો માહોલ, ભારે ધુમ્મસના કારણે વિઝિબિલીટીમાં થયો ઘટાડો

સુરતમાં આજે ફુલ ગુલાબી ઠંડી વચ્ચે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેથી રાત્રીના અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. સવારથી ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ધુમ્મસની ઉપર બિલ્ડીંગો દેખાઈ રહી હતી. જાણે કે ધુમ્મસ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જાણે હિલ સ્ટેશન શહેર બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચોઃ મહિસાગરમાં દીકરીને જાતિનો દાખલો ન મળતાં પિતાનો આપઘાત, ધક્કા ખાવા છતાં નહોતો મળતો ન્યાય
પારો 18.1 ડિગ્રી નોંધાયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ફેબ્રુઆરીની બીજી તારીખે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે. દરમિયાન સુરતનું મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.બે દિવસ રાત્રીનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરત માં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ધુમ્મસ જાણે સુરતના રસ્તા ઉપર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધુમસની ઉપર બિલ્ડીંગો પણ દેખાઈ રહી હોય તેવા દ્રશ્યો પણ લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. ધુમ્મસના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાઈ ગયો હતો.
ઠંડીનું જોર વધશે
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હતું. જ્યારે ઉત્તર દિશાના પ્રતિકલાક 6 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાયા હતા. દક્ષિણ ગુજરાતમાં ડાંગનું મહત્તમ તાપમાન સૌથી ઊંચું નોંધાયું હતું. નવસારી અને વલસાડમાં માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યાં છે. આ ઉપરાંત ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. સુરતની વાત કરીએ તો રાત્રીનો પારો 2 ડિગ્રી સુધી ઘટી શકે છે.

