'જો સંબંધ નહીં બાંધે તો ઘરની હાલત નહીં સુધરે...' આર્થિક તંગી દૂર કરવા ગયેલા પરિવારની વહુ સાથે ભુવાએ આચર્યું દુષ્કર્મ, આપી મેલી વિદ્યાની ધમકી!

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સાસુની માંદગી અને ઘરની આર્થિક તંગી દૂર કરવાના બહાને વિધિ કરવાના નામે 27 વર્ષીય પરિણીતા સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરી ભુવો ફરાર થઈ ગયો છે. મહાજનવાસમાં રહેતા મેલડી માતાના ભુવા દીપક પરમારે મહિલાના પતિને બહાર વિધિ માટે મોકલી એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ ભુવાએ મેલી વિદ્યા કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે શરૂઆતમાં સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહેતાં આખરે ભોગ બનનાર પરિણીતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'ઉપરના રૂમમાં એકલામાં વિધિ કરવી પડશે'
કુબેરનગરમાં રહેતી 27 વર્ષીય પરિણીતાના ઘરમાં લાંબા સમયથી આર્થિક સંકડામણ હતી અને તેના સાસુ સતત બીમાર રહેતા હતા. આથી પરિવારે કુબેરનગરના મહાજનવાસમાં રહેતા અને મેલડી માતાના ભુવા તરીકે ઓળખાતા દીપક પરમારનો સંપર્ક કર્યો હતો. ગત 3 ઓક્ટોબરની સાંજે દીપક પરમાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેણે ઘરના મંદિર સામે સફેદ કપડું બાંધી, માળા જોઈ અને દાણા ફેંકીને 'મહિલાને બહારનું વળગણ છે, જેથી ઉપરના રૂમમાં એકલામાં વિધિ કરવી પડશે' તેમ જણાવ્યું હતું.
સ્નાન કરાવવાની વિધિ માટે 25 હજાર રૂપિયા માંગ્યા
ત્યારબાદ તે પરિણીતાને ઉપરના માળે લઈ ગયો હતો. ત્યાં પલંગ પર બેસાડી માથે લીંબુ ફેરવી પાણીના છાંટા નાખ્યા બાદ શરીરના ગુપ્ત ભાગોએ અડપલાં કરી ચુંબન કર્યું હતું. આ પછી ભુવાએ નદીએ જઈ સ્નાન કરાવવાની વિધિ માટે 25 હજાર રૂપિયા માંગ્યા હતા, જેમાં અંતે 17 હજાર રૂપિયા નક્કી કરાયા હતા. દીપક પરમારે પતિ-પત્ની બંનેને નદી કિનારે લઈ જઈ સ્નાન કરાવી વિધિ કરી હતી. બાદમાં રાત્રે ફરી ઘરના ઉપરના રૂમમાં બેસાડ્યા હતા. ત્યાં તેણે પતિને લીંબુ આપી 'આને ચાર રસ્તા પર મૂકી આવો' તેમ કહી બહાર મોકલી દીધો હતો.
'મેલી વિદ્યા કરી નાખીશ' તેવી ધમકી
પતિ બહાર જતાં જ ભુવાએ મહિલાને પલંગ પર સુવડાવી સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને જણાવ્યું હતું કે જો આવું નહીં કરે તો ઘરની સ્થિતિ નહીં સુધરે. બાદમાં તેણે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કંઈ કહીશ તો 'મેલી વિદ્યા કરી નાખીશ' તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ પરિવારે બદનામીના ડરે સમાજના પંચમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતાં આખરે સરદારનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






