Rajkot/ બેંકમાંથી 1 કરોડનું સોનું ગાયબ, 3 મહિના પહેલા ઓડિટમાં ખુલાસો છતાં કાર્યવાહીમાં વિલંબ

રાજકોટમાં હવે સામાન્ય જનતાના પૈસા અને મૂલ્યવાન વસ્તુઓ રાખવા માટેનું સુરક્ષિત સ્થળ ગણાતી બેંકોની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે. શહેરની ઇન્ડિયન બેંકમાંથી અંદાજિત એક કરોડ રૂપિયાના સોનાની ભેદી ચોરીનો મામલો સામે આવ્યો છે, જેનાથી ગ્રાહકો અને બેંક સત્તાધીશોમાં ચકચાર મચી ગઈ છે.
સ્ટ્રોંગ રૂમમાંથી એક કિલો સોનું ગાયબ
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ અને ગોંડલરોડ નજીક આવેલ ઇન્ડિયન બેંકની શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી આ ચોરી થઈ છે. બેંકમાં ગોલ્ડ લોન પેટે ગ્રાહકો દ્વારા મૂકવામાં આવેલું આશરે એક કિલો સોનું, જેની કિંમત અંદાજિત એક કરોડ રૂપિયા થાય છે, તે ગાયબ થયું છે.
ઓડિટમાં ખુલાસો છતાં કાર્યવાહીમાં વિલંબ
આ ચોરીની ઘટનાની જાણ માર્ચ મહિનામાં બેંકના આંતરિક ઓડિટ દરમિયાન થઈ હતી. જોકે, આશ્ચર્યજનક રીતે, બેંકના અધિકારીઓએ આટલી મોટી રકમની ચોરીની જાણકારી હોવા છતાં તુરંત કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહોતી.
આખરે, ત્રણ માસ પહેલાં આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પોલીસે શરૂઆતમાં આ અંગે જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, પરંતુ ચોરનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
હવે FSLની મદદ લેવાશે
ચોરીનો ભેદ ઉકેલવા અને સત્ય બહાર લાવવા માટે હવે પોલીસ દ્વારા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવાનો નિર્ણય લેવાયો છે. તપાસના ભાગરૂપે, ગાંધીનગર FSL ખાતે બેંકના સાત જેટલા કર્મચારીઓના ટેસ્ટ કરાવવામાં આવશે. આ FSL ટેસ્ટ દ્વારા પોલીસ ચોરીમાં બેંકના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ, તે દિશામાં તપાસ કરશે.
એક કરોડના સોનાની ચોરી અને તેમાં પણ સ્ટ્રોંગ રૂમમાંથી સોનું ગાયબ થવાની ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

