Rajkot/ જેતપુર બન્યું સાયબર ક્રાઇમનું 'એપીસેન્ટર'! દુબઈ કનેક્શન ધરાવતું રૂ. 94 લાખનું જંગી નેટવર્ક ઝડપાયું

જેતપુર શહેર ફરી એકવાર મોટા સાયબર ફ્રોડ નેટવર્કને કારણે ચર્ચામાં આવ્યું છે. અગાઉ સાયબર છેતરપિંડીના 7 આરોપીઓ પકડાયા બાદ હવે જેતપુર સિટી પોલીસે વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને મોટી સ્ટ્રાઈક કરી છે, જેના તાર છેક દુબઈ સુધી પહોંચેલા છે. પોલીસે રૂ. 94.89 લાખના જંગી સાયબર ફ્રોડમાં વધુ 10 શખ્સો સામે ગુનો નોંધીને કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે.
કૌભાંડના તાર દુબઈ સુધી: મુખ્ય સૂત્રધાર રાહુલ પટેલ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આંતરરાજ્ય સાયબર ફ્રોડ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાહુલ પટેલ (મૂળ વાવડી, અમરેલી) છે, જે હાલ દુબઈમાં રહીને સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો. રાહુલ પટેલે ભારતમાં પોતાના નેટવર્કને ચલાવવા માટે હર્ષદ દેસાઈ (જૂનાગઢ) મારફતે મુખ્ય એજન્ટ કેવલ સીતાપરા અને એજન્ટ પાર્થિવ ગોવાણી સાથે સંપર્ક સાધ્યો હતો. આ એજન્ટોએ જેતપુરના મજૂરી કામ કરતા યુવાનોનો દુરુપયોગ કરીને 'ડમી એકાઉન્ટ' ખોલાવ્યા હતા.
1% કમિશનની લાલચ અને ડમી એકાઉન્ટ
આ કૌભાંડમાં સામેલ યુવાનોને માત્ર 1% કમિશનની લાલચ આપવામાં આવતી હતી. ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં યુનિયન બેંક, SBI, બેંક ઓફ બરોડા જેવી વિવિધ બેંકોના ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હતા. ત્યારબાદ આ નાણાં રોકડા ઉપાડીને આંગડિયા મારફતે દુબઈમાં રહેલા મુખ્ય સૂત્રધાર રાહુલ પટેલ સુધી પહોંચાડવામાં આવતા હતા.
છ રાજ્યોના નિર્દોષ લોકો સાથે છેતરપીંડી
પોલીસ દ્વારા 'સમન્વય' પોર્ટલ પર કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નેટવર્કે મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને કેરળ જેવા છ રાજ્યોના નિર્દોષ લોકો સાથે છેતરપીંડી આચરી છે.
આ ગંભીર મામલે હેડ કોન્સ્ટેબલ ધવલ ગાજીપરાએ સરકાર તરફે ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે 10 આરોપીઓ સામે B.N.S.ની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. PSI જે.પી. મલ્હોત્રા આ સમગ્ર કૌભાંડની વધુ તપાસ ચલાવી રહ્યા છે અને પકડાયેલા 9 આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

