મુખ્ય સામગ્રી પર જાઓ

યુપી-બિહાર જતા મુસાફરો માટે રાહતના સમાચાર: અમદાવાદ-વારાણસી વચ્ચે 4 નવેમ્બરથી દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ દોડશે

યુપી-બિહાર જતા મુસાફરો માટે રાહતના સમાચાર: અમદાવાદ-વારાણસી વચ્ચે 4 નવેમ્બરથી દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ દોડશે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ સહિત ગુજરાતના પેસેન્જરો માટે સાબરમતીથી વારાણસી વચ્ચે નવી દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 12205/12206 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસની નિયમિત સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલવે કનેક્ટિવિટી મજબૂત બનાવશે. આ ટ્રેન શરૂ થતાં દિવાળી અને છઠ પૂજા માટે વતન ઉત્તરપ્રદેશ જતા અને કન્ફર્મ રિઝર્વેશન ટિકિટ વગર રહી ગયેલા સેંકડો પેસેન્જરોને રાહત મળશે અને તેમની મુસાફરી આરામદાયક બનશે.

ટ્રેન નંબર 12205 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 4 નવેમ્બરથી દરરોજ સવારે 5.20 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 6.30 વાગ્યે વારાણસી પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 12206 વારાણસી–સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 નવેમ્બરથી દરરોજ સાંજે 5.30 વાગ્યે વારાણસીથી ઉપડી બીજા દિવસે રાત્રે 8.15 વાગ્યે સાબરમતી પહોંચશે.

જાહેરાત

આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, માંડવર મહુવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

2 નવેમ્બરથી ટિકિટ બુકિંગ

ટ્રેન નંબર 12205 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ માટે 2 નવેમ્બરથી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ શરૂ થશે. આ નવી સેવા શરૂ થતાં ગુજરાતથી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ જતાં પેસેન્જરોને દૈનિક રેલવે મુસાફરીનો વધુ એક વિકલ્પ મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત