Ahmedabad / ક્રેડિટ કાર્ડમાંથી કેશ ઉપાડવાની લાલચ પડી ભારે, વટવાના યુવકે ₹1.98 લાખ ગુમાવ્યા

અમદાવાદ શહેરના વટવા ગામમાં રહેતા અને સાણંદની ખાનગી કંપનીમાં નોકરી કરતા 39 વર્ષીય યુવક સાથે ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાના બહાને અજાણ્યા શખ્સે રૂ. 1.98 લાખ ની સાયબર છેતરપિંડી આચરી છે. ગઠિયાએ HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરતો હોવાનું કહી ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો અને ગૂગલ પે એપ્લિકેશનમાં ઓટીપી/કોડ નંખાવી બેંક ખાતા તથા ક્રેડિટ કાર્ડમાંથી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. બનાવ અંગે વટવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વટવા ગામના દેવીમાતા ઠાકોર વાસ ખાતે રહેતા દિનેશભાઈ ઠાકોર સાણંદ ખાતે આવેલી ટૂઝલર નામની કંપનીમાં નોકરી કરે છે. ગત 25 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજના સમયે તેમના મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાની ઓળખ આપી પૂછ્યું હતું કે, "તમારી પાસે જે ક્રેડિટ કાર્ડ છે તેનો તમે ઉપયોગ કરો છો?" દિનેશભાઈએ પોતે કાર્ડ વાપરતા ન હોવાનું જણાવતાં સામેવાળા શખ્સે કહ્યું કે, "હું તમને ગૂગલ પે એપ્લિકેશનમાંથી પૈસા ઉપાડી શકાય તેવું સેટિંગ કરી આપું". તે સમયે દિનેશભાઈ પાસે કાર્ડ ન હોવાથી બીજા દિવસે વાત કરવાનું નક્કી થયું હતું.
બીજા દિવસે સવારે તે શખ્સે ફરી ફોન કરી "હું તમને એક નંબર મોકલું છું તે ગૂગલ પે એપ્લિકેશનમાં નાખો" તેમ જણાવ્યું હતું. દિનેશભાઈએ આ નંબર એન્ટર કરતાં જ તેમના HDFC બેંક એકાઉન્ટ રૂ. 98 હજાર કપાઈ ગયા હતા. તેમણે તરત જ સામેવાળા શખ્સને પૈસા કપાઈ ગયાનું કહેતાં તેણે કહ્યું કે "પૈસા આવતીકાલે તમારા ક્રેડિટમાં જમા થઈ જશે" તેમ કહી ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
બે દિવસ બાદ બેંકમાંથી દિનેશભાઈના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે "તમોએ લીધેલા રૂ. 1 લાખ નો રૂ. 6,180 હપ્તો ભરવાનો છે". ખાતાની તપાસ કરતાં સેવિંગ્સ એકાઉન્ટમાંથી રૂ. 98 હજાર અને ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1.98 લાખ બારોબાર ટ્રાન્સફર થઈ ગયાનું ખૂલ્યું હતું. ભોગ બનનારે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી એક્નોલેજમેન્ટ નંબર મેળવ્યા બાદ વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.







