મુખ્ય સામગ્રી પર જાઓ

દિવાળી પહેલાં AMCની મોટી કાર્યવાહી: અમદાવાદમાં ફરસાણ બનાવતા 4 એકમો સીલ, બળેલા તેલ અને ગંદકીની બેદરકારી સામે આવી

દિવાળી પહેલાં AMCની મોટી કાર્યવાહી: અમદાવાદમાં ફરસાણ બનાવતા 4 એકમો સીલ, બળેલા તેલ અને ગંદકીની બેદરકારી સામે આવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મીઠાઈ અને ફરસાણ બનાવતા એકમો સામે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. શહેરના આરોગ્ય અને ખોરાક વિભાગે શુક્રવારે તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતાં ફરસાણ બનાવતા ચાર એકમોને સીલ કરી દીધા હતા. તપાસમાં બળેલા કુકિંગ ઓઇલનો અયોગ્ય નિકાલ, એકમોમાં ગંદકી, ખરાબ ફ્લોરિંગ અને ફૂડ પેકેટ પર જરૂરી લેબલિંગનો અભાવ જેવી ખામીઓ મળી આવી હતી.

આ ચાર એકમો સામે AMCની કાર્યવાહી

AMCના આરોગ્ય અને ખોરાક વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલા એકમોમાં સ્વાસ્તિક ફૂડ્સ (દૂધેશ્વર રોડ, શાહીબાગ), શ્યામ સુંદર ફૂડ પ્રોડક્ટ (મહેશ્વરી એસ્ટેટ), પ્રકાશકુમાર કનૈયાલાલ અને અમૃતલાલ કુબેરદાસ નમકીનવાલા (ગાંધી રોડ)નો સમાવેશ થાય છે.

  • સ્વાસ્તિક ફૂડ્સ, દૂધેશ્વર રોડ: શાહીબાગના મહેશ્વરી એસ્ટેટમાં આવેલા આ એકમમાં તળવાની પ્રક્રિયા દરમિયાન નીકળતા વપરાયેલા અને બળેલા તેલના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહોતી. આ માટે કોઈ અધિકૃત એજન્સી સાથે કરાર પણ કરવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત ફ્લોરિંગની સ્થિતિ યોગ્ય નહોતી અને કામદારો વ્યક્તિગત સ્વચ્છતાના નિયમોનું પાલન કરતા નહોતા.

  • શ્યામ સુંદર ફૂડ પ્રોડક્ટ, મહેશ્વરી એસ્ટેટ: આ એકમમાં ફૂડ પેકેટ પર ફરજિયાત લેબલિંગના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. સાથે જ બળેલા તેલના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતાનો પણ અભાવ હતો.

  • પ્રકાશકુમાર કનૈયાલાલ, ગાંધી રોડ: તપાસ દરમિયાન એકમમાં ભારે ગંદકી અને વપરાયેલા કુકિંગ ઓઇલના નિકાલ માટે અપૂરતી વ્યવસ્થા સામે આવી હતી.

  • અમૃતલાલ કુબેરદાસ નમકીનવાલા, ગાંધી રોડ: આ એકમમાં પણ સ્વચ્છતાના અભાવ અને વપરાયેલા તેલના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવાળીની તૈયારીઓની સમીક્ષા દરમિયાન કાર્યવાહી

શુક્રવારે મળેલી આરોગ્ય અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક દરમિયાન દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરની સ્વચ્છતા અને આરોગ્યલક્ષી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન ફરસાણ અને ખાદ્યપદાર્થો બનાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કમિટીએ તહેવારો દરમિયાન શહેરમાં દિવસમાં બે વખત સફાઈ અને કચરો ઉપાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રાખવા અને નાગરિકોને ઇમરજન્સી તબીબી સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યા છે.

મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લેવાની કામગીરી વધારાશે

દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની માગમાં વધારો થતો હોવાથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા AMC દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કમિટીએ સમગ્ર શહેરમાંથી મીઠાઈ અને ફરસાણના નમૂનાઓ લેવાની કામગીરી વધારવા પણ સૂચના આપી છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થો બનાવતા અને વેચતા એકમોનું ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો