Vadodara / ડૉક્ટરની કરોડોની સંપત્તિ પર પત્ની-પુત્રી કે કામવાળીનો હક? સેશન્સ કોર્ટે કેસ રિ-ઓપન કરી ટ્રાયલ કોર્ટને સોંપ્યો

Vadodara / ડૉક્ટરની કરોડોની સંપત્તિ પર પત્ની-પુત્રી કે કામવાળીનો હક? સેશન્સ કોર્ટે કેસ રિ-ઓપન કરી ટ્રાયલ કોર્ટને સોંપ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડોદરા તેમજ રાજ્યની વિવિધ સરકારી કોલેજોમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂકેલા એક ડૉક્ટરના અવસાન બાદ તેમની કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત મેળવવા માટે પત્ની, પુત્રી અને ઘરમાં કામ કરતી મહિલા વચ્ચે મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે. વર્ષ 2019માં ટ્રાયલ કોર્ટે પત્ની અને પુત્રીનો દાવો રદ કર્યો હતો, જેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવતા કોર્ટે સમગ્ર મામલો પુનઃ ટ્રાયલ કોર્ટમાં પરત મોકલીને ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

પ્રોફેસર અને પરિવાર વચ્ચેનો પારિવારિક વિવાદ

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા અને રાજ્યના અન્ય શહેરોની મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા ડૉક્ટરના લગ્ન 1982માં થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે. લગ્નજીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે અણબનાવ અને ઝઘડાઓ થતા હોવાને કારણે પ્રોફેસરે અદાલતમાં છૂટાછેડા માટે દાવો દાખલ કર્યો હતો. બીજી તરફ, પ્રોફેસરની પત્નીએ પણ ભરણ-પોષણ માટે દાદ માગતા અદાલતે અગાઉ માસિક 4000 રૂપિયા ભરણ-પોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. દરમિયાનમાં, વર્ષ 2010માં પ્રોફેસરનું દુઃખદ અવસાન થતાં તેમની સંપત્તિને લઈને વિવાદ શરૂ થયો હતો.

જાહેરાત

પત્ની અને પુત્રીનો કાયદેસરના વારસદાર તરીકે દાવો

પ્રોફેસરની પત્ની અને પુત્રીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેઓ કાયદેસરના વારસદાર હોવાથી પ્રોફેસરના નોકરીના તમામ નાણાકીય લાભો જેવા કે ગ્રેજ્યુએટી, પ્રોવિડન્ટ ફંડ (PF), પેન્શન અને LIC પૉલિસીની રકમ તેમને જ મળવી જોઈએ. આ ઉપરાંત, વડોદરામાં આવેલી ત્રણ સ્થાવર મિલકતો—જેમાં પ્રતાપનગર વિસ્તારમાં એક મકાન, નિઝામપુરા વિસ્તારમાં એક ફ્લેટ અને માંજલપુર વિસ્તારમાં એક મકાનનો સમાવેશ થાય છે—તેના પર પણ પોતાનો જ હક હોવાનું જણાવ્યું હતું. પત્નીએ જણાવ્યું હતું કે પતિનો પગાર સારો હોવાથી તેમણે બચત અને રોકાણો કર્યા હતા, પરંતુ અલગ રહેતા હોવાથી બેંક ખાતાઓની ચોક્કસ માહિતી તેમની પાસે નથી.

કામવાળી મહિલાનો દાવો: પ્રોફેસરે ખુશ થઈને રજિસ્ટર્ડ વિલ કરી આપ્યું હતું

આ કેસમાં નવો જ વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્ની અને પુત્રીથી અલગ રહેતા પ્રોફેસરની કામવાળી મહિલાએ દાવો કર્યો કે તે પ્રોફેસર સાથે પત્ની તરીકે રહેતી હતી અને તેમની બીમારી તથા વૃદ્ધાવસ્થામાં તેની સેવા-ચાકરી કરતી હતી. તેના જણાવ્યા મુજબ, પ્રોફેસર તેની નિઃસ્વાર્થ સેવાઓથી અત્યંત પ્રભાવિત થયા હતા અને પોતાની હયાતીમાં સબ-રજિસ્ટ્રાર સમક્ષ સાક્ષીઓની હાજરીમાં કાયદેસરનું રજિસ્ટર્ડ વિલ (વસિયતનામું) કરી આપ્યું હતું.

આ વીલમાં પ્રોફેસરે પોતાની તમામ મિલકતો અને હકો તે મહિલાના નામે કર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે, જેને સાબિત કરવા માટે કોર્ટમાં વીડિયો-ડીવીડી પુરાવા પણ રજૂ કરાયા છે. સાથે જ, LIC અને બિરલા સન લાઈફની પૉલિસીમાં પણ કામવાળી મહિલાએ પોતાનું નામ નોમિની તરીકે નોંધાવ્યું હોવાનો આક્ષેપ છે.

ટ્રાયલ કોર્ટનો અગાઉનો ચુકાદો અને સેશન્સ કોર્ટનો આદેશ

અગાઉ આ કેસમાં પત્નીએ કોર્ટમાં સોગંદનામું તો રજૂ કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ પૂછપરછ (ઉલટતપાસ) માટે કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આ કારણોસર કોર્ટે તેમનો પુરાવા રજૂ કરવાનો હક બંધ કરી દીધો હતો અને દસ્તાવેજો સાબિત થઈ શક્યા નહોતા. તેને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટે એવું જણાવ્યું હતું કે પત્ની અને પુત્રી પોતાના દાવાને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરી શક્યા નથી, અને આ કારણસર મૂળ દાવો રદ કરી દીધો હતો.

આ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે પ્રોફેસરની પત્ની અને પુત્રીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ કોર્ટે તેમની અપીલ મંજૂર કરીને સમગ્ર કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં પાછો મોકલી દીધો છે અને આ કેસની ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

સરકારી વિભાગો અને વીમા કંપનીઓની ભૂમિકા

આ કાનૂની જંગમાં ડૉક્ટરના કાયદેસરના વારસદાર હોવાનો દાવો કરતી પત્ની અને પુત્રી વાદી પક્ષ છે. જ્યારે પ્રતિવાદી પક્ષમાં રાજ્ય સરકાર, કોલેજના ડીન, સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ, પીએફ કમિશનર, LIC, બિરલા સન લાઈફ ઇન્સ્યોરન્સ અને ઘરમાં સાફ-સફાઈ તથા રસોઈનું કામ કરતી મહિલાને પક્ષકાર છે. સરકારી વિભાગો અને વીમા કંપનીઓએ અગાઉ જણાવ્યું હતું કે રેકોર્ડ પર રહેલા નોમિનેશન અને કાયદેસરના દસ્તાવેજો મુજબ તેઓ અદાલતના અંતિમ આદેશનું પાલન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત