NAVSARI : ઉંચા વ્યાજની લાલચે રોકાણ કરનારા લોહીના આંસુએ રડ્યાં, 2.94 કરોડની છેતરપિંડી કરનાર 3ની ધરપકડ
Navsari News : લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી, આ કહેવત નવસારીના ચીખલીમાં સાચી ઠરી છ

Navsari News : લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી, આ કહેવત નવસારીના ચીખલીમાં સાચી ઠરી છે. ઉંચા વ્યાજની લાલચે અલગ અલગ સ્કીમોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ચીખલીના સમર ગ્રુપે 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. લોકોને લોહીના આંસુ રડાવનારા પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ત્રણને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે.
આ પણ વાંચો : PSI પઠાણના મોતનું ઘૂંટાતું રહસ્ય, અકસ્માત સર્જનાર કાર અને ટ્રેલર ગુમ, સુરેન્દ્રનગર પોલીસે શરૂ કરી તપાસ
લોકોને સ્કીમ્સમાં 75 થી 95 ટકા સુધીનું ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી
નવસારીમાં ઊંચા વ્યાજે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડીના અનેક ગુનાઓ સામે આવ્યા છે. તેમ છતાં ઠગભગતો લાલચુ લોકોની નસ પકડી ગયા હોય એમ અલગ અલગ નામે કંપની બનાવી એનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ કરોડો રૂપિયા ઉસેટી લેતા હોય છે. નવસારીના ચીખલીમાં વર્ષ 2019માં ચીખલીના સાગર રાઠોડ, તેની પત્ની ચૈતાલી રાઠોડ, ભાઈ વિશાલ રાઠોડ તેમજ નવસારીના મીરલ પટેલ આ ચાર લોકોએ સમર ગ્રુપ નામની કંપની બનાવી લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું.
100થી વધુ લોકો સાથે 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી
ત્રણ વર્ષમાં સમર ગ્રુપ દ્વારા ચીખલીમાં કાર્યાલય ખોલી અનિલકુમાર રાઠોડને કર્મચારી તરીકે રાખી, ચીખલીથી ઉમરગામ સુધી એજન્ટો બનાવી અંદાજે 12 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ હતી. જેમાં 100થી વધુ લોકોને દિવસમાં ચાંદ-તારા બતાવીને ફરાર થઈ ચૂકેલા સાગર રાઠોડ અને તેના સાગરીતો સામે થોડા દિવસ અગાઉ ચીખલીના જ જયંતિ સોલંકીએ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા હરકતમાં આવેલી પોલીસે 100થી વધુ લોકોના નિવેદનો નોંધી 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી શોધી કાઢી હતી.
5 આરોપી સામે ગુનો નોંધાયો, 3ની ધરપકડ
પોલીસે તમામના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરી પાંચેય આરોપીઓ સામે GPID એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેમાં પાંચ આરોપીઓમાંથી વિશાલ રાઠોડ, ચૈતાલી રાઠોડ અને મિરલ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે સાગર રાઠોડ અને અનિલ રાઠોડ હજી પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.








